સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો માટે એક સારા સમાચાર છે. જિલ્લાના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવાના ઉમદા હેતુથી, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના હસ્તે આજે બે અત્યાધુનિક નવી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કલેકટર કચેરીના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં, કલેકટરએ લીલી ઝંડી આપીને આ સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સને જાહેર સેવામાં સમર્પિત કરી હતી.
આ બે નવી એમ્બ્યુલન્સના ઉમેરાથી જિલ્લાના, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, ૧૦૮ સેવાની પહોંચ અને પ્રતિભાવની ઝડપમાં નોંધપાત્ર સુધારો થશે. ઇમરજન્સીના કિસ્સાઓમાં સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આ એમ્બ્યુલન્સ ચાવીરૂપ ભૂમિકા ભજવશે અને અનેક મૂલ્યવાન જીવન બચાવવામાં મદદરૂપ સાબિત થશે.
નવી ૧૦૮ એમ્બ્યુલન્સ્સમાં તમામ જરૂરી અદ્યતન તબીબી ઉપકરણો, જેમ કે ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર, અને અન્ય જીવનરક્ષક સાધનો ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) સહિતનો તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફ અને અનુભવી ડ્રાઇવરની ટીમ તૈનાત રહેશે,
ગુજરાતની '૧૦૮ એમ્બ્યુલન્સ સેવા' ઇમરજન્સીના સમયમાં લોકો માટે સંજીવની સમાન છે. આ સેવા સંપૂર્ણપણે વિનામૂલ્યે ૨૪x૭ કાર્યરત રહે છે અને માર્ગ અકસ્માત, હૃદયરોગનો હુમલો, પ્રસૂતિની ઇમરજન્સી કે અન્ય કોઈપણ જીવનને જોખમી પરિસ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે છે. ૧૦૮ નંબર પર કોલ કરતા જ આ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી જાય છે. રાજ્ય સરકારે વિકસાવેલી આ અનોખી ઇમરજન્સી સિસ્ટમ લાખો લોકોના જીવન બચાવવામાં સફળ રહી છે.
નવી એમ્બ્યુલન્સના સમાવેશથી જિલ્લામાં ૧૦૮ સેવાની ક્ષમતામાં વધારો થયો છે, જે રાજ્ય સરકારની નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ લોકાર્પણ પ્રસંગે નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.



0 Comments