શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન: ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાની નવી આશા
સુરેન્દ્રનગર : તા. ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ અમદાવાદ-ધ્રાગંધ્રા હાઇવે પર વસાડવા ચોકડી પાસે સ્થિત એસ.એસ. સંઘવી વિદ્યાલયમાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ આરોગ્ય કેન્દ્ર આજુબાજુના ૨૫ ગામડાના આશરે ૫૦,૦૦૦થી વધુ લોકોને તાત્કાલિક અને સામાન્ય આરોગ્યસેવા પૂરી પાડશે.
અમદાવાદ-ધાગંધ્રા હાઇવે પર વસાડવા ચોકડી પાસે એસ.એસ. સંઘવી વિદ્યાલયમાં સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું હતું. આ મંગલ પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સંસ્થાપિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના વાઇસ પ્રેસિડેન્ટ અને સિનિયર સંન્યાસી આત્માર્પિત નેમીજી અને સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ એન્ડ શાહ હેપીનેસ ફાઉન્ડેશનના ચીફ ગિવિંગ ઓફિસર્સ મનુભાઈ અને રીકાબેન શાહના શુભ હસ્તે આ સેન્ટરનું દીપ પ્રાગટ્ય કરાયું હતું.
સેન્ટરમાં સોમવારથી શનિવાર સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી પ્રશિક્ષિત ડૉક્ટરો, નર્સો અને સહાયક સ્ટાફ હાજર રહેશે. અહીં લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, ઇસિજિ, નેબ્યુલાઇઝર, દવાઓ અને એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આકસ્મિક દુર્ઘટના કે તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય ત્યારે દર્દીને તાત્કાલિક સારવાર આપીને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાના ૫૫૦થી વધુ ગામડાઓમાં આરોગ્યસેવાની અછત વચ્ચે આ કેન્દ્ર એક આશાજનક પહેલ છે. જીવન બચાવવું સર્વોચ્ચ ધર્મ છે – એ ભાવનાને સાકાર કરતી આ પહેલ ગ્રામ્ય જનતાને આરોગ્યની દિશામાં નવી આશા આપે છે.


Comments
Post a Comment