સુરેન્દ્રનગર BAPS સ્વામિનારાયણ મંદિરમાં ૧૦૦૦થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ

સુરેન્દ્રનગર: નૂતન વર્ષના મંગલ પ્રારંભે સુરેન્દ્રનગર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત રીતે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરા અને આધ્યાત્મિક ભાવનાના સમન્વય સાથે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ ૧૦૦૦થી પણ વધુ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

નવા વર્ષને આવકારવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો અને ભાવિકોની ભારે ભીડ મંદિર પરિસરમાં ઉમટી પડી હતી. ભક્તોએ આ મનોહર અન્નકૂટનાં દર્શન કરી ધન્યતા અને કૃતજ્ઞતાની લાગણી અનુભવી હતી.

આ અન્નકૂટમાં શાકભાજી, વિવિધ ફળો, સુકા મેવા, અને જાતજાતની મીઠાઈઓ સહિતની અનેક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધર્મચિંતનદાસજી સ્વામી – કોઠારી સ્વામીએ અન્નકૂટ દર્શનનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અન્નકૂટ ઉત્સવ એ પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને નૂતન વર્ષના પ્રારંભે જીવનમાં સત્સંગ તથા દિવ્યતા પ્રાપ્ત કરવાનો પવિત્ર અવસર છે.

નૂતન વર્ષના પ્રથમ દિને જ હજારો હરિભક્તોએ મંદિરમાં દર્શન કરીને, અન્નકૂટ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો. અને સંતોના આશીર્વાદ મેળવીને પોતાના નવા વર્ષનો શુભારંભ કર્યો હતો. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ, ઉમંગ અને આનંદનો માહોલ છવાયો હતો.

Post a Comment

0 Comments