સુરેન્દ્રનગર: વિઠ્ઠલ પ્લેસ રોડ પાસેના એક ખાલી પ્લોટમાં બીમાર પડેલી એક ગાયને સમયસર સારવાર ન મળતા તેનું કરુણ મૃત્યુ થયું છે. ગાયના નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થતાં હરદીપભાઈ શુક્લ નામના જાગૃત નાગરિકે તાત્કાલિક એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. જોકે, સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ તાલુકા જેવા મોટા વિસ્તાર માટે માત્ર એક જ એનિમલ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ અને ડૉક્ટર હોવાથી, તેઓ ચાર-પાંચ કલાક સુધી પહોંચી શકે તેમ ન હોવાનું જણાવાયું હતું.
સમયનો વિલંબ જોતા, હરદીપભાઈએ હરશક્તિ ગ્રુપના બ્રીજરાજસિંહ ચુડાસમાનો સંપર્ક કર્યો હતો. હરશક્તિ ગ્રુપના સેવાભાવી યુવાનોએ તાત્કાલિક ગાય માતાને શિવ શક્તિ ગૌશાળા ખાતે લઈ જવાની વ્યવસ્થા કરી, જ્યાં પહોંચતા પહેલા જ ગાયનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટનાથી શહેરમાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક માત્ર એમ્બ્યુલન્સ અને ડૉક્ટરની અછતને કારણે મૂંગા પશુઓએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ગાયના મૃત્યુ બાદ સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ તાલુકામાં પશુઓની તાત્કાલિક સારવાર માટે વધુ બે એનિમલ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે. જવાબદાર તંત્ર વહેલી તકે આ માંગણી પર ધ્યાન આપી પશુઓ માટેની સ્વાસ્થ્ય સેવા સુધારણા કરે તેવી માંગ ઉઠવા પામી છે.


0 Comments