ઝાલાવાડનું ગૌરવ: સીતાબેન દેપાળાનું સન્માન

સુરેન્દ્રનગર‌ : સમાજ હિત અને સેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવું એ ઉચ્ચ સંસ્કારની નિશાની છે. આ જ ઉમદા હેતુ સાથે, વડોદરાના આજવા રોડ સ્થિત કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત સિને મીડિયા એવોર્ડ (GCMA) ના ૧૮માં સંસ્કરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડર ચેરમેન શ્રી અમિતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

કાર્યક્રમની શરૂઆત પરમ પૂજ્ય માનસરોવર બાપુ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે કલા, સાહિત્ય અને સેવા જગતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પડદા પાછળ રહીને કાર્ય કરતા સેવાભાવી રથિઓને બિરદાવવાનો હતો.

આ એવોર્ડ સમારોહમાં ગાયક કલાકારો, મોડેલ્સ, ન્યૂઝ ચેનલ્સ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર્સ અને દિવ્યાંગ પ્રતિભાઓ સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને પુરસ્કાર આપી ગૌરવાન્વિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે વડોદરાના જાણીતા હાસ્ય કલાકાર અને આયુર્વેદિક ડૉ. શ્રી હાથી સાહેબ નું વિશેષ સન્માન કરાયું. અપેક્ષા ફાઉન્ડેશનના સેવાભાવી શ્રી અલ્પેશભાઈ કારેણા નું પણ સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા માટે ગૌરવની ક્ષણ ત્યારે આવી જ્યારે સેવા રત્ન અને પ્રેરણાદાયી દિવ્યાંગ નારી શ્રીમતી સીતાબેન રાજેશભાઈ દેપાળા ને તેમની નિઃસ્વાર્થ સેવાઓ બદલ ભવ્ય એવોર્ડ આપી નવાજવામાં આવ્યા. તેમની આ સિદ્ધિએ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

સન્માન એ માત્ર પુરસ્કાર નથી, પરંતુ વ્યક્તિની સેવા ભાવનાને સ્વીકૃતિ આપવાનો એક પવિત્ર અવસર છે. અંતમાં, GCMA ના ચેરમેન શ્રી અમિતભાઈ પટેલની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા આયોજનો દ્વારા સમાજ રત્નોની ઓળખ થતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Post a Comment

0 Comments