સુરેન્દ્રનગર મહાનગરપાલિકાઃ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ અને વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા અને "લોકલ ફોર વોકલ"ની વિભાવનાને પ્રાધાન્ય આપીને 12થી 14 ઓક્ટોબર, 2025 દરમિયાન ત્રિદિવસીય "ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ" સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ, ક્રાફ્ટ તેમજ અન્ય સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહિત કરીને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો.
મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આત્મા (ઓર્ગેનિક ફાર્મિંગ), અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના સખીમંડળની બહેનો તેમજ સુરેન્દ્રનગર શહેરમાં ગૃહ ઉદ્યોગ કરતી બહેનોની સહભાગિતા હતી. આમાં બાંધણી, ભરત ગૂંથણ, પટોળા, ટાંગલીયા વણાટ કલા, હાથવણાટની વસ્તુઓ, કોડીયા, હેન્ડીક્રાફ્ટ જેવી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. વધુમાં, શહેરના નાના વેચાણકર્તાઓ અને ફેરીયાઓને પણ સમાવેશ કરીને કુલ 75 સ્ટોલ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ મેળા દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સ્વદેશી મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 22 સ્ટોલ ધારકો દ્વારા રૂ. 2,50,000/-થી વધુનું વેચાણ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના 10 સ્ટોલ ધારકો દ્વારા રૂ. 3,90,000/-થી વધુનું વેચાણ, મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના 10 સ્ટોલ ધારકો દ્વારા રૂ. 2,20,000/-થી વધુનું વેચાણ કરવામાં આવ્યું હતું.આ સાથે સુરેન્દ્રનગર શહેરની ગૃહ ઉદ્યોગ કરતી બહેનો અને ખાણી-પીણીના સ્ટોલ ધારકો મળીને "ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ" સ્વદેશી મેળામાં અંદાજે રૂ. 10 લાખથી વધુનું સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે.
મેળાનું વિશેષ આકર્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમો હતા, જેમાં પરંપરાગત લોકનૃત્યો જેવા કે હુડ-ગોફ, મણિયારો રાસ-ગરબા, પઢાર નૃત્ય તથા સિદી ધમાલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો દ્વારા નાગરિકોનું મનોરંજન કરવા ઉપરાંત સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો અને આપણી સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ મેળા દ્વારા સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને આર્થિક પ્રોત્સાહન મળ્યું છે અને આત્મનિર્ભર ભારતના વિઝનને વેગ મળ્યો છે.




0 Comments