સુરેન્દ્રનગરમાં મોંઘવારી-બેરોજગારી વિરુદ્ધ કોંગ્રેસની મહારેલી..

સુરેન્દ્રનગર: વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને સિંગતેલ-રાંધણ ગેસના ભાવવધારાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાડીલાલ ચોકથી ટાવર સુધી યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝરણાબેન જાની દ્વારા આયોજિત આ રેલીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારીના કારણે પ્રજાની કથળતી જતી હાલત અને તહેવારો પણ ઉજવી ન શકે તેવી પરિસ્થિતિ તરફ સરકારનું ધ્યાન દોરવાનો હતો.

આ મોંઘવારી અને બેરોજગારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે કોંગ્રેસ પક્ષે જનજાગૃતિ માટે આ પગલું ભર્યું હતું. રેલી દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતાઓ રજનીકાંતભાઈ કડ, દેવેન્દ્રભાઈ ઠાકર, રણજીતસિંહ, ભરતભાઈ બાર, વિશ્વાસ સોમપુરા, અને ચંદુભાઈ વેગડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

યોજાયેલ આ રેલીમાં 'ભાજપ સરકાર હાય હાય' અને 'મોંઘવારી હટાવો' જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર સામાન્ય માણસની ચિંતા કર્યા વિના માત્ર મૂડીપતિઓના હિતમાં કામ કરી રહી છે, જેના પરિણામે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આગામી સમયમાં જો ભાવવધારો કાબૂમાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ કોંગ્રેસે ઉચ્ચારી હતી.

0 Comments