રતનપર રામજી મંદિરનો ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સુરેન્દ્રનગર : રતનપરમાં ૧૨૭ વર્ષ જૂના ઐતિહાસિક રામજી મંદિરના જીર્ણોદ્ધાર બાદ નૂતન મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. ઝાલવાડની ધરા પર ભક્તિ, સમરસતા અને એકતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો.

ગઈકાલે યોજાયેલી નગરયાત્રામાં આશરે ૧૭,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. સુશોભિત ઘોડાઓ, ધૂન મંડળીઓના તાલ અને ભક્તિભાવથી રતનપરની ગલીઓ રામમય બની ગઈ હતી. આ યાત્રામાં સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના રાજકીય આગેવાનો તથા લીંબડી મોટા મંદિરના મહંત લલિત કિશોર ચરણદાસજી મહારાજ, ગણપતિ ફાટસરના મહંત રામ શ્રી બાપુ જેવા સંતો-મહંતોએ હાજરી આપી શોભા વધારી હતી.  

રવિવારે બપોરે ૧૨:૩૯ કલાકે અભિજિત મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. લાંબા ગાળાના અંતરાલ બાદ આ સોનેરી અવસર આવતા ગ્રામજનોમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો.  

આ મહોત્સવની વિશેષતા તેની સમરસતા રહી. સમગ્ર ગામે ‘ધુમાડાબંધ’ પરંપરા અનુસરીને કોઈના ઘરે ચૂલો સળગ્યો નહોતો. તમામ સમાજના લોકો દ્વારા સંયુક્ત આયોજન હેઠળ ૨૨ અલગ-અલગ સ્થળોએ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંદાજે ૫૦,૦૦૦થી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કર્યો.  

આ પ્રસંગે ક્ષત્રિય અગ્રણી નીરવસિંહ પરમાર, ઉદયસિંહ ચાવડા સહિતના કાર્યકરોએ વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. રતનપરનું આ નૂતન રામજી મંદિર આવનારા સમયમાં આસ્થાનું કેન્દ્ર બની રહેશે.  આ કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ સિહોરા પણ સહભાગી થયા હતા.

આ ઐતિહાસિક અવસર માત્ર ધાર્મિક વિધિ પૂરતો નહોતો, પરંતુ રતનપરની એકતા, સમરસતા અને વઢવાણ સ્ટેટના વારસાને જીવંત રાખવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો પ્રસંગ બની રહ્યો.  

0 Comments