વઢવાણ ભવ્ય વારસાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા ડાયેટ સુરેન્દ્રનગર દ્વારા 'પલાશ' વિશેષાંકનું વિમોચન

 સુરેન્દ્રનગર: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) સુરેન્દ્રનગર દ્વારા શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સંસ્થાના મુખપત્ર 'પલાશ' અંતર્ગત વઢવાણ તાલુકાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિશેષાંક 'વઢવાણની પરકમ્મા'નું તાજેતરમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક ઇતિહાસનું શિક્ષણ: નવી શિક્ષણ નીતિનો અમલ

આ વિશેષાંકનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોતાના જ વિસ્તારના ઈતિહાસથી પરિચિત કરવાનો છે. વિમોચન પ્રસંગે ડાયેટના પ્રાચાર્ય ડૉ. સી. ટી. ટૂંડિયાએ જણાવ્યું હતું કે, "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના સેક્શન-4 મુજબ, વિદ્યાર્થીઓને તેમના સ્થાનિક પર્યાવરણ, ઇતિહાસ અને સાંસ્કૃતિક ધરોહરથી જ્ઞાત કરવા અનિવાર્ય છે. આ બાબતને ધ્યાને રાખીને જ આ વિશેષાંક તૈયાર કરાયો છે."

આ અંક વઢવાણ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિતરિત કરવામાં આવશે, જેના દ્વારા ધોરણ-6 થી 8 ના વિદ્યાર્થીઓ વઢવાણની ભૌગોલિક વિશેષતાઓ અને ઐતિહાસિક વારસા વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે.

સન્માનીય મહાનુભાવોની ઉપસ્થિતિ

આ પુસ્તિકાનું વિમોચન જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભદ્રસિંહ વાઘેલા અને પ્રાચાર્ય ડૉ. સી. ટી. ટૂંડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 'પલાશ'ના તંત્રી ડૉ. કોમલબેન, વઢવાણ લિએજન વિમલ દંગી, દિનેશભાઈ સોલંકી (સમગ્ર શિક્ષા), તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી. રથવી અને BRC નરેશભાઈ બદ્રેશિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અંકના સંપાદનમાં દશરથસિંહ અસવાર અને અન્ય સ્થાનિક શિક્ષકોએ મહત્વનું યોગદાન આપ્યું છે.

આગામી આયોજન

ડાયેટ દ્વારા માત્ર વઢવાણ જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાના વારસાને સાચવવાનું લક્ષ્ય રખાયું છે. હવે પછીના તબક્કામાં ચોટીલા અને થાન તાલુકા માટે સંયુક્ત વિશેષાંક "પડ જૂઓ પાંચાળ" પ્રકાશિત કરવામાં આવશે. આમ, ક્રમશઃ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓના સાહિત્ય અને ઇતિહાસને આવરી લેતી શ્રેણી તૈયાર કરવામાં આવશે.

0 Comments