સુરેન્દ્રનગર: વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના આદરિયાણા ગામે વર્ષો જૂની 'ગૌરજ'ની અનોખી પરંપરા ધામધૂમથી ઉજવાઈ હતી, જેણે ગામની સંસ્કૃતિ અને લોકજીવનને ઉજાગર કર્યું હતું.
ગામની સ્થાપના થઈ ત્યારથી ચાલી આવતી પરંપરા મુજબ, બેસતા વર્ષના દિવસે સવારે સૌપ્રથમ ગ્રામજનો પોતપોતાના વિસ્તારમાં ભેગા થયા હતા, જ્યાં સાંપ્રત પ્રશ્નો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના તમામ જ્ઞાતિના લોકો ગામના પ્રાચીન શિવ મંદિરે એકઠા થયા...
ગામના પાદરે 'ગૌરજ' દોડ:
ચાર-ચાર ઢોલના નાદ સાથે આખું ગામ મહાદેવ મંદિરથી ગામના પાદર તરફ એકઠું થાય છે. ત્યાં માલધારીઓએ પોતપોતાની ગાયોને શણગારી, શિંગડાઓ અને ખરીઓને રંગી તથા કોટમાં ઘૂઘરા બાંધીને પાદરે લાવે છે. અને ગામના તમામ માલધારીઓની ગાયોને એકઠી કરીને દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણ દિશામાં વારંવાર દોડાવવામાં આવી છે.
ગાયો જ્યારે દોડે છે અને તેમની રજ ગામ તરફ ઉડે છે, ત્યારે 'ગૌરજ'થી ગામની સમૃદ્ધિ, સુખાકારી અને આરોગ્ય વધે છે એવી વર્ષો જૂની ધાર્મિક માન્યતા છે. આ માન્યતા પ્રમાણે આ વખતે પણ ભારે ધામધૂમથી ગાયોને દોડાવવામાં આવી હતી. ગૌરજને ઉડતી અને પવનની દિશા જોઈ ગામના વડીલોએ આ વખતે ગામ માટે સારા સુકન અને સમૃદ્ધિની આગાહી કરી હતી. બેસતા વર્ષે આ અનોખા ઉત્સવના સાક્ષી બનવા માટે બહારગામ રહેતા લોકો પણ મોટી સંખ્યામાં આ દિવસે હાજર રહે છે.



0 Comments