ઝીંઝુવાડા નજીક રણમાં ફસાયેલા શ્રદ્ધાળુઓનું સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ: ગ્રામજનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા નજીક આવેલા કચ્છના નાના રણમાં આવેલા પ્રસિદ્ધ વીર વચ્છરાજ દાદાના મંદિરે દર્શનાર્થે આવેલા અનેક શ્રદ્ધાળુઓ માવઠાના વરસાદને કારણે રણના કાદવમાં ફસાયા હતા. આ અણધારી આફતમાં સરકારી તંત્ર મદદરૂપ થાય તે પહેલાં જ ઝીંઝુવાડા ગ્રામજનોએ અદમ્ય માનવતા અને ખમીરનું પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિક ગ્રામજનોને આ અંગેની જાણ થતાં જ તેઓ પોતાના ટ્રેક્ટર અને ગાડીઓ લઈને તાત્કાલિક અસરથી ફસાયેલા લોકોને બચાવવા રણ તરફ દોડી ગયા હતા. રાત્રિના સમયે ભારે જહેમત બાદ ફસાયેલા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં ઝીંઝુવાડાના ચાલુ સરપંચ હરીચંદ્રસિંહ ઝાલા, જાલમસિંહ રણધીરસિંહ, બીપીન સિંહ, સરવણસિંહ સહિત ઠાકોર સમાજના યુવાનો પણ સહભાગી બન્યા હતા. તેમણે માત્ર લોકોને જ નહીં, પરંતુ રણમાં ફસાયેલી તેમની 25થી વધુ ગાડીઓને પણ ટ્રેક્ટર સાથે બાંધીને કાદવમાંથી ખેંચી બહાર કાઢી હતી. રાત્રિના અંધારામાં 10 થી 12 જેટલી ગાડીઓને બહાર કાઢવામાં આવી હતી.જેમાં નવ ગાડી અને એક ટેમ્પો ટ્રાવેલ્સ નો સમાવેશ થતા આશરે 100 જેટલા શ્રદ્ધાળુઓ રણમાં ફસાયા હતા.

જે શ્રદ્ધાળુઓ ફસાયા હતા, તેમને વચ્છરાજપુરા ગામ નજીક આવેલા નાના વચ્છરાજ દાદાના મંદિરે રાત્રી રોકાણની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રામજનો તરફથી તમામ લોકો માટે જમવાની પણ સગવડ કરવામાં આવી હતી અને જેટલા પણ લોકો ત્યાં રોકાયા તેમને આશરો આપવામાં આવ્યો હતો.

ઝીંઝુવાડાના ગ્રામજનોએ એક દિવસીય આકસ્મિક આફતમાં સરકારી તંત્રની રાહ જોયા વિના, સમયસૂચકતા વાપરીને અને પોતાની જાનની પરવા કર્યા વગર શ્રદ્ધાળુઓની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેના કારણે ફસાયેલા લોકો તેમજ સ્થાનિક લોકોએ પણ નિરાંતનો શ્વાસ લીધો હતો.

Post a Comment

0 Comments