સુરેન્દ્રનગર Surendranagar
થાનગઢ: નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે બુધવાર, તારીખ ૨૯/૧૦/૨૦૨૫ ના રોજ થાનગઢ તાલુકાના રતનપર ટીંબા વિસ્તારમાં આકસ્મિક તપાસણી હાથ ધરી ગેરકાયદેસર ચાલતા કાર્બોસેલ (કોલસા) ખનનનો પર્દાફાશ કર્યો હતો. આ દરોડામાં કોલસા કાઢવા માટે તૈયાર કરાયેલા ૪ ગેરકાયદેસર લાઇન કુવાઓ (ખાડાઓ) જપ્ત કરવામાં આવ્યા હતા.
ટીમ દ્વારા સ્થળ પરથી આશરે રૂ. ૨૬,૧૦,૦૦૦/- ની કુલ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ૨ ટ્રેકટર, ૧ કંમ્પ્રેસર, ૧ જનરેટર, ૧ ડિઝલ મશીન, ૪૦૦૦ મીટર વીજળીનો કેબલ, ૨૦૦૦ મીટર પાણીની પાઇપલાઇન અને ૧૦ બકેટનો સમાવેશ થાય છે. જપ્ત કરેલો તમામ મુદ્દામાલ નિયમોનુસાર કાર્યવાહી માટે મામલતદાર કચેરી, થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે.
વધુમાં, ખનન સ્થળે આશરે ૩૫ મજૂરોને રહેવા માટે બનાવવામાં આવેલા કુબા પણ જોવા મળ્યા હતા. ત્યાં હાજર ૫૦ થી ૬૦ મજૂરોને આ જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા સમજાવટ કરવામાં આવી હતી અને તેમને સ્થળ પરથી હટાવવાની કામગીરી ચાલુ છે.
નાયબ કલેકટરે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમો સામે "The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017" મુજબ કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનીજ ચોરી અટકાવવા તંત્ર દ્વારા વધુ સઘન કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.


0 Comments