સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના સાંસદ ચંદુભાઈ સી. શિહોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને તાજેતરના ભારે વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવા ભલામણ કરી છે.
પત્રમાં જણાવાયું છે કે, તા. ૨૫/૧૦/૨૦૨૫ થી આજદિન સુધી સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના વઢવાણ, લખતર, લીંબડી, ચોટીલા, સાયલા, ચુડા, ધ્રાંગધ્રા, થાનગઢ, મુળી, પાટડી, હળવદ, બરવાળા, રાણપુર, ધોલેરા, ધંધુકા, વિરમગામ, માંડલ, દેત્રોજ અને જોટાણા સહિતના અનેક તાલુકાઓમાં કમોસમી અને ભારે વરસાદ પડ્યો છે. આ અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સાંસદ શિહોરાના મતે, ડાંગર, મગફળી, એરંડા, કપાસ, તુવેર અને મઠ જેવા મહત્ત્વના પાકોને મોટું નુકસાન થયું છે. જે ખેડૂતોના પાક તૈયાર થવાની અવસ્થામાં હતા, તે પણ છેલ્લા અઠવાડિયાના વરસાદથી આડા પડી ગયા છે, જેનાથી ખેડૂતોના 'મોં માં આવેલો કોળિયો છીનવાઈ જવાની' પરિસ્થિતિ ઊભી થઈ છે.
ખેડૂતોની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સાંસદ ચંદુભાઈ શિહોરાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ ઝડપથી પાક નુકસાનનો સર્વે કરાવીને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર ચૂકવે. ખેડૂતોને ઝડપી રાહત મળે તે હેતુથી આ પત્રની નકલ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ મોકલવામાં આવી છે. સાંસદની આ રજૂઆતથી સ્થાનિક ખેડૂતોમાં આશા જન્મી છે.

0 Comments