સુરેન્દ્રનગર જવાહર ચોક સ્વામિનારાયણ મંદિરના ૨૦ વર્ષ પૂર્ણ થતા દ્વિદશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન

સુરેન્દ્રનગર: શહેરમાં જવાહર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વિદશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી કૃષ્ણ વલ્લભ સ્વામીની આજ્ઞા અનુસાર તારીખ ૧ નવેમ્બરથી ૭ નવેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સાથે શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને સફળ બનાવવા અન્ય સ્વામિનારાયણ મંદિરના મહંત સંતો અને હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સપ્તાહ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે. મહોત્સવના પ્રથમ દિવસે કથાના પ્રારંભ બાદ ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રવિવાર, તારીખ ૨ નવેમ્બરના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૩ થી ૫ નવેમ્બર દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે, સાથે જ ઝૂંપડવાસીઓને તાલપત્રી વિતરણનું પણ આયોજન છે.

સેવાકીય પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તારીખ ૪ નવેમ્બરના રોજ વિધવા બહેનોને ભોજન તેમજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. તારીખ ૫ નવેમ્બરના રોજ સમૂહ લગ્નનું આયોજન છે, જેમાં બ્રહ્મ સમાજના બટુકોને યજ્ઞો પવિત (જનોઈ) તેમજ તુલસી વિવાહ સાથે રાજોપચાર પૂજન પણ થશે. તારીખ ૬ નવેમ્બરના રોજ પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન છે. તારીખ ૭ નવેમ્બરના રોજ કથાની પૂર્ણાહુતિ, સંતોના પ્રવચનો અને મહામંત્ર ધૂન સાથે મહોત્સવ સમાપ્ત થશે.

ધાર્મિક કાર્યક્રમોની સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. દરરોજ સવારે શણગાર આરતી પછી સવારે ૭ થી ૧ વાગ્યા સુધી વિવિધ પ્રકારના અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાતેય દિવસ દરમિયાન રાત્રે બાળ સભાના સાંસ્કૃતિક કાર્યક્રમ, સંતો દ્વારા કીર્તન ભક્તિ તેમજ સુરેન્દ્રનગર અને રતનપરના બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

મનોરંજનના કાર્યક્રમોમાં તારીખ ૪ નવેમ્બરની રાત્રે ભવ્ય લોક ડાયરો, ૫ નવેમ્બરના રોજ મહારાસનો કાર્યક્રમ અને ૬ નવેમ્બરના રોજ હાસ્યરસ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જવાહર ચોક સ્વામિનારાયણ મંદિરનો આમ આ દ્વિદશાબ્દી મહોત્સવ સુરેન્દ્રનગરવાસીઓ માટે ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહેશે.

Post a Comment

0 Comments