ફટાકડાના હંગામી વેચાણ અને સ્ટોરેજ માટે પરવાના ઇશ્યુ કરવા બેઠક યોજાઈ, સુરક્ષાના કડક નિયમોનું પાલન અનિવાર્ય

ચોટીલા: નાયબ કલેકટર પ્રાંત-ચોટીલા, એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા સબ-ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી, અને થાનગઢ તાલુકાઓમાં ફટાકડાનું હંગામી વેચાણ અને સ્ટોરેજ કરવા ઈચ્છતા વ્યક્તિઓ/વેપારીઓને પરવાના (લાયસન્સ) ઇશ્યુ કરવા અંગેની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.




આ બેઠકમાં ચોટીલા, થાનગઢ, અને મુળીના મામલતદારશ્રીઓ, તેમજ ચોટીલા, નાની મોલડી, થાનગઢ, અને મુળીના પોલીસ ઇન્સ્પેકટરો સહિત મોટી સંખ્યામાં ફટાકડાના વેપારીઓ હાજર રહ્યા હતા.

વેપારીઓને સુરક્ષા સંબંધી કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. 

મુખ્ય મુદ્દાઓમાં જણાવાયું કે નાયબ કલેકટર પ્રાંત-ચોટીલા તરફથી ફરજિયાત લાયસન્સ મેળવવું પડશે. ફટાકડાની દુકાન ઉપર રહેણાંકનું મકાન ન હોવું જોઈએ અને બે પરવાનેદારના સ્થળ વચ્ચે ૧૫ મીટરનું અંતર જાળવવું ફરજિયાત છે.

સુરક્ષા વ્યવસ્થા અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. દુકાન ઉપર ૧૦૦૦ લિટરની પાણીની ટાંકી રાખવી, ઉપરાંત, પ્રવેશ દ્વાર પાસે રેતી ભરેલી લોખંડની બે ડોલ અને દુકાનની બહાર ૨૦૦ લિટરનો વોટર ડ્રમ રાખવો પડશે. દુકાનમાં વીજળીનું યોગ્ય ઇલેક્ટ્રિફિકેશન અને ખુલ્લી જ્યોત પર પ્રતિબંધ રહેશે. બીડી, સિગારેટ, માચીસ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ દર્શાવતું બોર્ડ લગાવવાની સૂચના પણ આપવામાં આવી હતી 

સમગ્ર વેચાણ અને સ્ટોરેજની પ્રક્રિયા એક્સપ્લોઝિવ રૂલ્સ ૨૦૦૮ અને સરકારની વખતોવખતની ગાઇડલાઇન મુજબ કરવા માટે વેપારીઓને તાકીદ કરવામાં આવી છે. આ સૂચનાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments