ભાઇબીજના પવિત્ર દિવસે માલધારી પરિવારનો આધાર છીનવાયો, સાયલાના ચેકડેમમાં ડૂબી જવાથી સગીરનું કરૂણ મૃત્યુ

સુરેન્દ્રનગર : સાયલા ખાતે ભાઈબીજના પવિત્ર દિવસે જ માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સાયલામાં રહેતા માલધારી પરિવારના આંગણે ભાઈબીજ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પરિવારનો ૧૭ વર્ષીય સગીર ગોપાલ રૂપાભાઈ સભાડ પોતાના પશુઓ એટલે કે ભેંસોને ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયો હતો.

સાયલા ગામની સીમમાં આવેલા એક ચેકડેમ પાસે ભેંસોને પાણી પીવડાવતી વખતે આ દુઃખદ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સગીર ગોપાલ ભેંસોને ચેકડેમના પાણીમાંથી બહાર કાઢવા ગયો હતો, ત્યારે અકસ્માતે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઘટના સમયે ગોપાલની સાથે પશુ ચરાવવા ગયેલા અન્ય બે જેટલા કિશોરોએ સમગ્ર ઘટના નજરો નજર જોઈ હતી. સગીરને ડૂબતો જોઈને કિશોરોએ રાડારાડી કરતા આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો અને ખેડૂતો ત્યાં દોડી આવ્યા હતા.

ખેડૂતો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે સગીરને ચેકડેમમાંથી બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરી હતી. જોકે, કમનસીબે સગીરને સમયસર બહાર કાઢી શકાયો ન હતો અને ચેકડેમના પાણીમાં ડૂબી જવાથી તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

ભાઈબીજના પાવન પર્વે જ માલધારી પરિવારના આધાર એવા સગીરનું આકસ્મિક મૃત્યુ થતાં આખા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક સગીરનો મૃતદેહ બહાર કાઢવામાં આવતા પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો. આ દુર્ઘટનાને પગલે સાયલા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી માલધારી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

Post a Comment

0 Comments