સુરેન્દ્રનગર: 'જીવન જીવવું તો સારું જીવવું, ખાવું તો સારું ખાવું, અને જો કોઈને ખવડાવવું હોય, તો પણ તમે જેવુ ખાતા હોય એવું જ ખવડાવવું જોઈએ' - આ વિચારને અનુસરીને, દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગર શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારના ગરીબ અને વંચિત બાળકો તેમજ દિવ્યાંગ લોકોને દિવાળીના તહેવાર નિમિત્તે ઉચ્ચ ગુણવત્તાની મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમાજસેવક, શ્રેષ્ઠ શિક્ષક અને સદભાવના સેવા ટ્રસ્ટ, સુરેન્દ્રનગરના પ્રમુખ દિનેશ રાઠોડ 'સાવન' દ્વારા આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે 80 ફૂટ રોડ પર આવેલ સ્વીટ માર્ટ માંથી સારી ક્વોલિટીની મીઠાઈ ખરીદી કરી ઝૂંપડપટ્ટીના બાળકોને આપી હતી.આ ઉપરાંત, શહેરમાં દિવ્યાંગ લોકોને શોધી શોધીને દરેકને 500 ગ્રામ મીઠાઈ, 250 ગ્રામ ચવાણું અને 250 ગ્રામ ગાંઠિયા આપવામાં આવ્યા હતા. આ વિતરણ પાછળનો હેતુ એ છે કે દિન-દુખિયા અને જરૂરિયાતમંદ લોકો પણ સૌની જેમ દિવાળી મનાવે અને મીઠાઈ ખાઈને આનંદ માણી શકે.
દિનેશ રાઠોડ સાવને જણાવ્યું હતું કે તેમના પરિવારમાં તહેવારોમાં મીઠાઈ ન ખાવાનો રિવાજ છે, પરંતુ જ્યારે બીજા લોકો, ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો મીઠાઈ ખાઈને રાજી થાય, એમાં જ તેમનો સાચો રાજીપો છે. ગરીબ અને પછાત લોકોને રાજી કરવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.


0 Comments