સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: 'રન ફોર યુનિટી'નું શાનદાર આયોજન

સુરેન્દ્રનગર: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના પાવન અવસરે, 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'રન ફોર યુનિટી' (એકતા દોડ)નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં નાગરિકો, પોલીસ જવાનો અને મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેણે સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશો ગુંજતો કર્યો હતો.

'રન ફોર યુનિટી'નો પ્રારંભ આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ દોડ શહેરના મુખ્ય માર્ગો જેવા કે જેલ ચોક પરથી પસાર થઈને જવાહર ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી. આ રાષ્ટ્રીય દોડને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ જવાનો, યોગ પ્રેમીઓ અને નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમી આ દોડમાં જોડાઈને સરદાર પટેલને આદર અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "સરદાર સાહેબ એકતાનું પ્રતીક છે. જો તેઓ ન હોત, તો આજે આપણે આ દેશને 'અખંડ ભારત' તરીકે ઓળખતા ન હોત." તેમની વહીવટી કુશળતા, કુનેહ અને મજબૂત મનોબળને કારણે જ ૫૬૫ જેટલા રજવાડાઓ એક થઈને અખંડ ભારતની સ્થાપના થઈ શકી. શ્રી મકવાણાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની સરાહના કરતાં ઉમેર્યું હતું કે, "વડાપ્રધાને સરદાર સાહેબના એકતાના પ્રતીક તરીકે વિશ્વની સૌથી મોટી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવી છે, જેની મુલાકાતે દર વર્ષે આશરે ૩૦ લાખ પ્રવાસીઓ આવે છે, જે વિશ્વને ભારતની એકતાનો સંદેશ આપે છે."

ધ્રાંગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાએ સરદાર સાહેબને 'લોખંડી પુરુષ' ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરદાર સાહેબે આઝાદી સમયે 'નેક્સ્ટ ટુ ઈમ્પોસિબલ' (લગભગ અશક્ય) કામગીરી કરીને દેશને એકતાના તાંતણે બાંધ્યો હતો. તેમણે વડાપ્રધાનના નેતૃત્વની સરાહના કરીને 'થિંક ગ્લોબલી, એક્ટ લોકલ'ના સૂત્રને અપનાવી દરેક નાગરિકની વિચારધારા ગ્લોબલ કરવા પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમના સમાપનમાં, ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા માટે દ્રઢ સંકલ્પ લીધો હતો. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં નિવાસી અધિક કલેકટર શ્રી રાજેન્દ્ર ઓઝા સહિતના જિલ્લાના અધિકારીઓ પણ જોડાયા હતા. સુરેન્દ્રનગરની આ શાનદાર ઉજવણીએ જિલ્લામાં રાષ્ટ્રીય ભાવના અને એકતાના સંદેશને વધુ મજબૂત કર્યો હતો.

Post a Comment

0 Comments