સુરેન્દ્રનગર : લીંબડી વિસ્તારમાં રખડતા પશુઓની સમસ્યાના નિરાકરણ અને બીમાર, અશક્ત ગાયોના નિભાવના ઉમદા ઉદ્દેશ સાથે ભોઈકા અને ઉંટડી ગામની સીમમાં આવેલ પવિત્ર ખોડીયાર માતાના મંદિર નજીક એક ભવ્ય ગૌશાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ અનોખા પ્રોજેક્ટને 'કાઉ ટાઉન સેન્ચ્યુરી' નામ આપવામાં આવ્યું છે, જેનો શુભારંભ થતાં જ સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
આ ગૌશાળાનું ખાતમુહૂર્ત ધાર્મિક વિધિ અને સ્થાનિક અગ્રણીઓ તથા પશુપ્રેમીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લીંબડી વિસ્તાર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી રખડતા, બીમાર, વૃદ્ધ અને અશક્ત પશુઓને યોગ્ય આશ્રય અને સારવાર પૂરી પાડવાનો છે.
અંદાજે ૧૦૦ એકર જેટલી વિશાળ જમીન પર આ ભવ્ય ગૌશાળા આગામી દિવસોમાં આકાર લેશે. આ ગૌશાળા માત્ર આશ્રયસ્થાન જ નહીં, પરંતુ પશુઓ માટે એક આદર્શ અને સુરક્ષિત નિવાસસ્થાન બને તેવા હેતુથી તેનું આયોજન કરવામાં આવ્યું છે. પશુઓને અહીં કુદરતી અને યોગ્ય વાતાવરણ મળી રહે, સાથે જ તેમને પૂરતો અને ગુણવત્તાયુક્ત ઘાસચારો, પાણી અને તબીબી સારવાર મળી રહે તેવી તમામ આધુનિક વ્યવસ્થાઓ આગામી સમયમાં નિર્માણ પામશે.
આ ગૌશાળાનું નિર્માણ થવાથી એક તરફ જ્યાં લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા પશુઓને કારણે સર્જાતી ટ્રાફિક અને સુરક્ષાની સમસ્યામાં ઘટાડો થશે, તો બીજી તરફ બીમાર અને નિરાધાર પશુઓને નવું જીવન મળશે. 'કાઉ ટાઉન સેન્ચ્યુરી'નો આ પ્રારંભ માત્ર ગૌશાળાનું નિર્માણ નથી, પરંતુ પશુ કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
સ્થાનિક સમિતિ અને દાતાઓના સહયોગથી આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.




0 Comments