સુરેન્દ્રનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદ એવેન્જર ગ્રુપ દ્વારા યોજાયેલી 'ઓલ ગુજરાત સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ'માં જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમે પૂર્વ ચેમ્પિયન બરોડાને કારમો પરાજય આપી ચેમ્પિયનશિપ જીતીને ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે.
આ ઐતિહાસિક વિજયને અનુલક્ષીને હોટેલ પ્રેસિડેન્ટ ખાતે ટીમનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોના હસ્તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું. જેમાં બેસ્ટ બેટ્સમેન અમ્રતસિંહ મકવાણા, બેસ્ટ બોલર વનરાજસિંહ પરમાર, બેસ્ટ ફિલ્ડર અને સિરીઝ ઓફ ધ ટૂર્નામેન્ટ ભગીરથસિંહ ચુડાસમા, બેસ્ટ વિકેટકીપર પી.પી. જોશી તથા સુંદર કેપ્ટનશીપ માટે કેપ્ટન જે.પી. રાણાને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર ટીમને મેડલ આપી બિરદાવવામાં આવી હતી, જે પૂર્વ કેપ્ટન જોગેશભાઈ રાવલ તરફથી અપાયા હતા.
આ તકે, આગામી ડિસેમ્બરમાં સુરેન્દ્રનગર ખાતે ઓલ ઇન્ડિયા લેવલની સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી, જેમાં ઉપસ્થિત મહેમાનોએ યોગ્ય સહકારની ખાતરી આપી હતી.



0 Comments