થાનના અમરાપર ગામે નજીવી બાબતે બે જૂથો વચ્ચે મારામારી, ફાયરિંગની આશંકા, ચાર ઇજાગ્રસ્ત, ગામમાં તંગદિલી

સુરેન્દ્રનગર : જિલ્લાના થાન તાલુકાના અમરાપર ગામે રસ્તા પર પાણી ઉડવા જેવી નજીવી બાબતને લઈને બે જૂથો વચ્ચે મારામારીની ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ મારામારીમાં કુલ ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ઘટનાની ગંભીરતાને જોતાં સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, આ વિવાદ અમરાપર અને નજીકના ચિત્રાખળા ગામના કેટલાક લોકો વચ્ચે થયો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે પાણી ઉડવા જેવી સામાન્ય બાબતને લઈને શરૂ થયેલો વિવાદ જોતજોતામાં ઉગ્ર બની ગયો અને તે મારામારીમાં પરિવર્તિત થયો હતો. બે જૂથો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો.

મારામારી દરમિયાન વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનામાં ફાયરિંગ થયાની પણ આશંકાઓ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

આ જૂથ અથડામણમાં કુલ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક થાનની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં તેમને વધુ સઘન સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે એલસીબી અને એસઓજીની ટીમો તાબડતોબ અમરાપર દોડી ગઈ હતી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટનાના પગલે સમગ્ર અમરાપર ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ છવાયું છે. હાલ પોલીસે ફરિયાદ નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે ગામમાં શાંતિ જળવાય તે માટે સતત પેટ્રોલીંગ શરૂ કરી દીધું છે.

Post a Comment

0 Comments