નવા નિયમો સાથે પ્રવાસીઓ માટે ખુલ્યું ઘુડખર અભયારણ્ય

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ૪,૯૫૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કચ્છના નાના રણમાં આવેલું આ અભયારણ્ય આ વર્ષે નિયત તારીખ ૧૬ ઓક્ટોબરના બદલે એક સપ્તાહ વહેલું, એટલે કે ૭ ઓક્ટોબરથી જ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવાયું છે.



આ અભયારણ્યની વિશેષતા એ છે કે અહીં એશિયામાં ક્યાંય ન જોવા મળતા ઘુડખર જોવા મળે છે. કચ્છનું નાનું રણ માત્ર કચ્છ પૂરતું સીમિત નથી, પરંતુ બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાઓમાં પણ પથરાયેલું છે. 'ખુશ્બુ ગુજરાત કી' કેમ્પેઈન અંતર્ગત મહાનાયક અમિતાભ બચ્ચને અહીં શૂટિંગ કર્યા બાદ આ અભયારણ્યની લોકપ્રિયતામાં અને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે.

ચોમાસાનો સમય ઘુડખરોનો બ્રીડિંગ સમય હોવાથી દર વર્ષે ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે ઘુડખરોને ખલેલ ન પહોંચે તે માટે ૪ માસ પ્રવેશ નિષેધ રાખવામાં આવે છે. જોકે આ વર્ષે નિયત સમય કરતાં વહેલું અભયારણ્ય ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે.

પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. શિયાળામાં અહીં વિદેશી પક્ષીઓનું પણ મોટી સંખ્યામાં આગમન થાય છે, જે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ગત વર્ષે ૧૨ હજારથી વધુ પ્રવાસીઓએ અભયારણ્યની મુલાકાત લીધી હતી, જેનાથી વન વિભાગને ૨૩ લાખથી વધુની આવક થઈ હતી.

અભયારણ્ય ખુલતાની સાથે જ પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘુડખર અને વિદેશી પક્ષીઓને નજીકથી નિહાળવા માટે પ્રકૃતિપ્રેમીઓ અને સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી સંભાવના છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Post a Comment

0 Comments