સુરેન્દ્રનગર: ચોટીલા તાલુકાના પીપરાળી ગામના દેવશીભાઇ ગોબરભાઇ સાકરીયા (ઉં.વ. ૬૦, ધંધો: ખેતી)એ પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે પાસ-પરમીટ વગર લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું છે.
એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે રેઇડ પાડી હતી અને આરોપી દેવશીભાઇ સાકરીયાના કબજા ભોગવટાના સ્થળેથી ગેરકાયદેસર વાવેતર કરેલા લીલા ગાંજાના કુલ ૨૫ છોડ જપ્ત કર્યા હતા. આ છોડનું વજન ૮ કિલોગ્રામ હતું, જેની આશરે બજાર કિંમત ₹૮૦,૦૦૦/- આંકવામાં આવી છે.
આરોપીએ વેચાણના ઇરાદે આ જથ્થાનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે. એસ.ઓ.જી.એ આરોપીની ધોરણસર અટકાયત કરી તેની વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

0 Comments