સુરેન્દ્રનગર Surendranagar : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના ઐતિહાસિક વર્ષ નિમિત્તે 'એકતા મંત્ર'ને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થયેલી આ ભવ્ય પદયાત્રાનું સમાપન નાના કેરાળા ખાતે આવેલા હનુમાનજી મંદિર ખાતે થયું હતું. આ યુનિટી માર્ચમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ સહિતના અગ્રણી પદાધિકારીઓ અને અધિકારીગણની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
'હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી'નો સંદેશ
આ પદયાત્રા દ્વારા 'હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી'ના સંદેશને મજબૂત બનાવીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ગૌરવભેર યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરદાર સાહેબે ૫૬૨ રજવાડાઓને એક કરીને 'અખંડ ભારત'ની સ્થાપના કરી, જેના કારણે તેઓ 'અખંડ ભારતના શિલ્પી' તરીકે ઓળખાય છે.
ધારાસભ્ય મકવાણાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Narendra Modi ના પ્રયાસોથી સ્થપાયેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આજે વર્ષે ૫૦ લાખ લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર બની છે. તેમણે સરદાર સાહેબના સૂત્રોને ટાંકીને સૌને સાચું કહેવાની હિંમત રાખવા અને અન્યાય સામે લડતા રહેવા પ્રેરણા આપી હતી.
વંદે માતરમની ૧૫૦મી જયંતિનું પણ સ્મરણ
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ આ વર્ષને બંકિમચંદ્ર ચટોપાધ્યાયજીએ ૧૮૭૫માં રચેલા રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ની પણ ૧૫૦મી જન્મ જયંતિનું વર્ષ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વંદે માતરમ ગીત રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરીને સૌને જોડવાનું કામ કરે છે અને આ યાત્રા દ્વારા દરેક વ્યક્તિના હૃદયમાં રાષ્ટ્ર ભાવના વધુ પ્રબળ બને તેવી અપીલ કરી હતી.
આ યુનિટી માર્ચમાં જોડાયેલા હજારો નાગરિકોએ રાષ્ટ્ર ભાવનાને સમર્પિત થઈને સ્વદેશી અપનાવવાના અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા. કાર્યક્રમમાં પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજી, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.




0 Comments