ચુડા 108 એમ્બ્યુલન્સના ઇએમટીની સતર્કતાથી પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની ખેતરમાં સફળ પ્રસૂતિ

સુરેન્દ્રનગર : ચૂડા તાલુકાના રામદેવગઢ ગામની સીમમાં એક પરપ્રાંતિય શ્રમજીવી મહિલાને અચાનક પ્રસૂતિ પીડા શરૂ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજતા EMT દાજીભાઈ રોજાસરા અને પાયલોટ શૈલેષભાઈ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 


જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાની સ્થિતિ ગંભીર હતી અને હોસ્પિટલ પહોંચવા માટે પૂરતો સમય ન હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને EMT દાજીભાઈએ તાત્કાલિક નિર્ણય લઈ કપાસના ખેતરમાં જ પ્રસૂતિ પ્રક્રિયા શરૂ કરી. તેમની કુશળતા અને અનુભવે કારણે પ્રસૂતિ સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને એક સ્વસ્થ નવજાત શિશુનો જન્મ થયો.

પ્રસૂતિ બાદ નવજાત શિશુને કૃત્રિમ શ્વાસક્રિયા આપી જીવદાની આપી અને માતાને ઇન્જેક્શન તથા બોટલ ચડાવી તાત્કાલિક સારવાર આપી. બંને માતા અને બાળકની હાલત હાલ સ્થિર છે અને તેમને વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

EMT દાજીભાઈ અને તેમની ટીમના આ ઉમદા સેવા કાર્યને ધારાસભ્ય કિરિટસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા સહિત અનેક લોકોએ બિરદાવી હતી. તેમણે EMTની સતર્કતા, માનવતાવાદી ભાવના અને ફરજ પરની નિષ્ઠાને વખાણી હતી.

આ ઘટના EMTની સમયસૂચકતા અને માનવ સેવા માટેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે સમાજ માટે પ્રેરણાદાયી બની રહી છે.

રિપોર્ટર : અશ્વિનસિંહ રાણા - લીંબડી 

Post a Comment

0 Comments