સુરેન્દ્રનગર Surendranagar : જિલ્લાના ચોટીલા શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના એટીએમમાંથી લાખો રૂપિયાની લૂંટ કરવાનો પ્રયાસ કરતી એક આંતરરાજ્ય ગેંગને ચોટીલા પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસની સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી એક મોટી લૂંટની ઘટના ટળી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર ચોટીલા તાલુકાના નવાગામનો રહેવાસી અજય ઉઘરેજા છે, જે પરિસ્થિતિजन્ય આર્થિક સંકડામણ અને આશરે 8 લાખ રૂપિયાના દેવાના ભારણ હેઠળ હતો. આર્થિક તંગીમાંથી બહાર નીકળવા માટે તેણે એટીએમ તોડી લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ કામ માટે તેણે બિહારના ત્રણ શખ્સો – રોકીરાજ કુશવાહ, રવિશંકર શાહ અને બિરૂકુમારનો સંપર્ક કર્યો હતો. આ ત્રણેયને ચોટીલામાં બોલાવીને, ગેંગના અન્ય સભ્ય મેહુલ મકવાણાની મદદથી રાજકોટની હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આરોપીઓએ લૂંટ માટે પૂર્વ તૈયારી રૂપે એટીએમ તોડવાના સાધનો જેવી કે હથોડી, કટર, તણી વગેરે ખરીદ્યા હતા. લૂંટને અંજામ આપવા પૂર્વે તેમણે એટીએમ અને આસપાસના વિસ્તારમાં રેકી પણ કરી હતી. ગુપ્ત બાતમીના આધારે ચોટીલા પોલીસે સમયસર કાર્યવાહી કરી અને તમામ પાંચ આરોપીઓને લૂંટના પ્રયાસ પહેલાં જ ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી બનાવટનો તમંચો, બે જીવતા કારતૂસ, છ મોબાઈલ ફોન, એક કાર અને એટીએમ તોડવાના સાધનો સહિત કુલ ₹2.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે તેઓ આ ગુનો દેવું ચૂકવવા માટે કરી રહ્યા હતા.
પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ચોટીલા પોલીસની ચપળતા અને સતર્કતાને કારણે એક મોટી લૂંટની ઘટના ટળી છે.
એસપી સુરેન્દ્રનગર - પ્રેમસુખ ડેલુ

0 Comments