સુરેન્દ્રનગર surendranagar : જિલ્લાના ખીટલા ગામની પામર સીમમાં એસઓજી (Special Operations Group) દ્વારા ગેરકાયદેસર ગાંજાની ખેતી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પીએસઆઈ આર.જે. ગોહિલને મળેલી ગુપ્ત બાતમીના આધારે એસઓજીની ટીમે 19 કલાક લાંબી રેડ ચલાવી હતી, જેમાં રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભુપતભાઈ ખવડ (ઉ.વ. 48, રહે. ખીટલા, તા. સાયલા) નામના ઈસમને તેની વાડીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપીએ કપાસના વાવેતરની આડમાં પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. એસઓજીની ટીમે સ્થળ પરથી 180 નંગ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા, જેનું વજન 559 કિલો 700 ગ્રામ હતું. આ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 2 કરોડ 79 લાખ 85 હજાર છે. આરોપીની ધરપકડ કરીને ધજાળા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રેડ દરમિયાન અનેક રસપ્રદ ઘટનાઓ પણ સામે આવી. ગાંજાના છોડ ઉખેડવા માટે એક ડઝન GRD જવાનોની મદદ લેવામાં આવી, જે ગ્રામ્ય વિસ્તારના હોવાને કારણે ખેતીકામમાં નિપુણ હતા. અમુક છોડમાં મધમાખીઓ બેસી જતાં ધુમાડો કરીને તેમને દૂર કરવામાં આવ્યા. કબજામાં લેવાયેલા ગાંજાના છોડ 12 ફૂટ લાંબા હતા, જેને પેક કરવા માટે 15x20 ઇંચના પ્લાસ્ટિકના કંતાનનો ઉપયોગ કરવો પડ્યો. એક ટ્રેક્ટર ભરાઈને સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સુરેન્દ્રનગર એસઓજી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સક્રિય છે અને એન.ડી.પી.એસ.ના ગુનાઓ સામે કડક પગલાં લઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવી ગેરકાયદેસર ખેતી સામે આવી કાર્યવાહીથી અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ અંકુશ આવી શકે છે.


0 Comments