ઇપીએફ-95 પેન્શનરોની વેદના: સુરેન્દ્રનગરમાં પેન્શન વધારાની માંગ સાથે ઉગ્ર આંદોલન

સુરેન્દ્રનગર : વધતી મોંઘવારી અને જીવનનિર્વાહની મુશ્કેલીઓ વચ્ચે ઇપીએફ-95 (EPF-95) યોજના હેઠળ આવતા પેન્શનરો ફરી એકવાર પોતાના હક માટે રસ્તા પર ઉતર્યા છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલી ઇપીએફ ઓફિસ સામે મોટી સંખ્યામાં પેન્શનરો એકત્ર થયા અને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમની મુખ્ય માંગ છે કે તેમને માસિક ₹7,500 પેન્શન તેમજ મોંઘવારી ભથ્થું (DA) અને આરોગ્ય માટે રક્ષણ કવચ વીમા જેવી સુવિધાઓ તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ મામલે વિવિધ વિભાગોના ભૂતપૂર્વ કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો અને દેખાવો કર્યા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક પગલું લેવામાં આવ્યું નથી. આ કારણે હવે પેન્શનરોને 'આશ્ચર્યજનક કાર્યક્રમ' દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો માર્ગ અપનાવવો પડ્યો છે.

ભૂતપૂર્વ એસ.ટી. નિગમના સુપરવાઇઝર રહી ચૂકેલા રાણા વનરાજસિંહે જણાવ્યું કે, "અત્યારની મોંઘવારીમાં મળતું પેન્શન જીવનનિર્વાહ માટે પૂરતું નથી. અમારામાંથી ઘણા પેન્શનરો વૃદ્ધાવસ્થામાં પણ નોકરી કરવા મજબૂર છે. કોઈ વોચમેન તરીકે કામ કરે છે તો કોઈ શ્રમિક તરીકે મહેનત કરે છે."

પેન્શનરોનું કહેવું છે કે, જીવનભર દેશની સેવા કર્યા પછી હવે વૃદ્ધાવસ્થામાં આરામની જરૂર છે, પરંતુ પેન્શનની તંગી તેમને ફરીથી કામ કરવા મજબૂર કરે છે. ઘણા પેન્શનરોએ પોતાના બાળકોના ભવિષ્ય માટે બચત ખર્ચી નાખી છે અને હવે પોતાનું ભવિષ્ય અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે.

દેશભરના આશરે 75 લાખ પેન્શનરો માટે યોગ્ય પગલાં લેવા ભારત સરકારને વિનંતી કરવામાં આવી છે. પેન્શનરોનું કહેવું છે કે જો સરકાર તેમની માંગણીઓ સ્વીકારી લેશે તો તેઓ સરકારને સંપૂર્ણ સહકાર આપશે. આંદોલનથી ફરી એકવાર EPF-95 પેન્શન સુધારાનો મુદ્દો રાષ્ટ્રીય ચર્ચામાં આવ્યો છે.

Post a Comment

0 Comments