સુરેન્દ્રનગર : BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષના આરંભે પ્રબોધિની એકાદશીનો પાવન પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પવિત્ર અવસરે મંદિરના આંગણે ભક્તિ અને ત્યાગની ભાવનાથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું.
પ્રબોધિની એકાદશી નિમિત્તે ભગવાનના ચરણે વિવિધ શાકભાજી અર્પણ કરવામાં આવ્યા હતા, જે દર્શનાર્થે મૂકવામાં આવ્યા. ચાતુર્માસ દરમિયાન અનેક હરિભક્તોએ મનગમતા શાકભાજી ન આરોગવાના નિયમો લીધા હતા. આ નિયમોની પૂર્ણાહુતિ તરીકે, ચાતુર્માસના અંતે આ શાકભાજી ભગવાનને અર્પણ કરીને ત્યાગ અને સમર્પણની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
આ ધાર્મિક પર્વ નિમિત્તે રવિ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો દ્વારા પ્રબોધિની એકાદશીનો મહિમા વિસ્તૃત રીતે વર્ણવાયો. સભામાં શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી, ધાર્મિક આનંદની અનુભૂતિ કરી.
કોઠારી સ્વામી ધર્મચિંતન સ્વામી તથા અન્ય સંતો અને હરિભક્તોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ જહેમત ઉઠાવી. તેમના સહયોગથી સમગ્ર મંદિર ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું.
આવી ધાર્મિક ઉજવણીથી ભાવિકો માટે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પ્રસસ્ત થયો અને સમૂહ ભક્તિનો અનોખો અનુભવ પ્રાપ્ત થયો.

0 Comments