સુરેન્દ્રનગર: સાયલામાં પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા ચોરે ધાર્મિક સ્થાને નિરાંતે ચોરી કરી

સુરેન્દ્રનગર : સાયલા તાલુકાના થોરિયાળી ગામમાં આવેલ ઐતિહાસિક જાદરાબાપુની જગ્યામાં ગત મોડી રાત્રે ચોરીની ઘટના બનતાં ખળભળાટ મચી ગયો છે. ચોરીની સમગ્ર ઘટના સ્થળ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ચોરીની ઘટના બનવાના આગલા દિવસે આમ આદમી પાર્ટીની ખેડૂત પંચાયતની જાહેર સભા સાયલા વિસ્તારમાં યોજાઈ હતી. આ સભામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાથી રાત્રિ દરમિયાન અન્ય વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ અને પેટ્રોલિંગ ઢીલું પડ્યું હતું. આ તકનો લાભ લઈને તસ્કરે થોરિયાળી ગામની જાદરાબાપુની જગ્યાને નિશાન બનાવી હતી. ચોરે શાંતિથી ધાર્મિક સ્થાને પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો અને કોઈને જાણ થયા વિના ફરાર થઈ ગયો. આજે સવારે જ્યારે પૂજારીને આ ઘટનાની જાણ થઈ ત્યારે ચોરીની વાત વાયુવેગે ગામ અને આસપાસના ભક્તોમાં ફેલાઈ ગઈ હતી. પોલીસની ઢીલી કામગીરીને કારણે ચોરી થઈ હોવાના આક્ષેપો સાથે સ્થાનિક ભક્તો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં ધાર્મિક સ્થાનેથી કેટલી રોકડ રકમ કે કિંમતી સામાનની ચોરી થઈ છે, તે અંગેની વિગતો મેળવવા માટે સાયલા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછના આધારે ચોરને ઝડપી લેવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. જોકે, પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના કારણે ધાર્મિક સ્થળમાં ચોરીની ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.

Post a Comment

0 Comments