ચોટીલા : ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા અને થાનગઢમાં આવેલી બે જાહેર ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોના સંચાલકો સામે સમન્સ પાઠવ્યા છે. આ કાર્યવાહી હોસ્પિટલોમાં આકસ્મિક તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાતાં સોનોગ્રાફી મશીન સીલ કર્યા બાદ વધુ તપાસના ભાગરૂપે કરવામાં આવી છે.
સમન્સ મેળવનાર વ્યક્તિઓમાં સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ, ચોટીલાના સંચાલક રાજેશ જી. ગોજીયા અને શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, થાનગઢના સંચાલક સુભાષભાઈ રમણીકલાલ શાહનો સમાવેશ થાય છે.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ગત તારીખ ૧૫/૦૯/૨૦૨૫ના રોજ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ, ચોટીલા ખાતે અને ત્યારબાદ તારીખ ૧૬/૦૯/૨૦૨૫ના રોજ શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, થાનગઢ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસણી દરમિયાન બંને હોસ્પિટલોમાં અનેક ગંભીર ક્ષતિઓ ધ્યાને આવી હતી. ક્ષતિઓની ગંભીરતાને જોતા, નાયબ કલેક્ટરે તાત્કાલિક અસરથી હોસ્પિટલોના સોનોગ્રાફી મશીનોને સીલ મારવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યવાહી નિયમોના પાલન અને ગેરરીતિની આશંકાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.
બાદ હવે આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવા માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તારીખ ૦૧/૧૧/૨૦૨૫ના રોજ ઉપરોક્ત બંને હોસ્પિટલના સંચાલકોને સત્તાવાર સમન્સ ઇસ્યુ કર્યા છે.
બંને સંચાલકોએ હવે નાયબ કલેક્ટર સમક્ષ હાજર થઈને હોસ્પિટલમાં જણાયેલી ક્ષતિઓ અને સોનોગ્રાફી મશીનના સંચાલન અંગે સ્પષ્ટતા કરવી પડશે. આ ઘટનાથી જાહેર આરોગ્ય સેવાઓ પૂરી પાડતી ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓના સંચાલન અને નિયમન પર પ્રશ્નાર્થ ઊભા થયા છે અને તંત્ર દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસના અંતે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.

0 Comments