સુરેન્દ્રનગર: શહેરના સર્કિટ હાઉસ ખાતે ‘કર્મણ્યે ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા એક પ્રેરણાદાયી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સમાજ સેવા આપનાર સેવકોને મેડલ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. રાજનભાઈ રઘુવંશી અને સેક્રેટરી ડૉ. કૃપલભાઈ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયો હતો. આ અવસરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રાહક સુરક્ષા પ્રાંતના સભ્ય વૈભવભાઈ ચોક્સી, ઔદિચ્ય બ્રહ્મ જ્ઞાતિ જોરાવરનગરના મંત્રી દિલીપભાઈ દવે, નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રતિનિધિ જગદીશસિંહ રાણા અને જાણીતા લેખક ડૉ. મનોજભાઈ પંડ્યા જેવા નામચીન વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
આ સન્માન સમારોહનો મુખ્ય હેતુ સમાજમાં નિઃસ્વાર્થ સેવા આપતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સકારાત્મક પરિવર્તન લાવનારા સેવકોને માન આપવાનો હતો. આવા સેવકોના કાર્યને માન્યતા આપવી અને અન્ય લોકોને પણ સમાજસેવા માટે પ્રેરણા આપવી એ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે.
કાર્યક્રમનું સંચાલન જાણીતા સમાજ સેવક દુષ્યંતભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહેલા મહેમાનો અને સેવકોના સહકારથી સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

0 Comments