સુરેન્દ્રનગર surendranagar (અશ્વિનસિંહ રાણા, લીંબડી દ્વારા) : ભારતના લોખંડી પુરુષ અને આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે લીંબડી ખાતે 'એક ભારત - આત્મનિર્ભર ભારત'નો સંદેશ આપતી ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા.
આ પદયાત્રા લીંબડી હાઇવે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને ઘાઘરેટિયા ગામ સુધી લગભગ ૧૦ કિલોમીટરના માર્ગ પર યોજાઈ હતી. સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પી.કે. પરમાર અને પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટના હસ્તે આ પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો.
સ્વદેશી અને આત્મનિર્ભરતા પર ભાર
આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ દેશવાસીઓને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, “હવે દેશના હિતમાં સ્વદેશી અપનાવી આત્મનિર્ભર બનવાનો સમય આવી ગયો છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે રાષ્ટ્રની પ્રગતિ માટે દરેક નાગરિકે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રાથમિકતા આપવી જોઈએ.
પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ પણ આત્મનિર્ભર ભારતની વિભાવનાને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો, જ્યારે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ રોજિંદા જીવનમાં અને ઘરવપરાશની વસ્તુઓમાં પણ સ્વદેશી અપનાવીને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સરદાર સાહેબના આદર્શોને અનુસરીને જ આપણે એક મજબૂત અને સ્વયં-નિર્ભર રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત
લીંબડી હાઇવે સર્કલથી ભલગામડા ગામે સુધી 'એક ભારત - આત્મનિર્ભર ભારત' યાત્રાનું ઠેર ઠેર લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સ્થાનિકોએ ઉત્સાહભેર પદયાત્રીઓનું અભિવાદન કર્યું હતું, જે સરદાર પટેલ પ્રત્યેની તેમની ભાવના અને રાષ્ટ્રીય એકતાના સંદેશને સમર્થન આપે છે. ઘાઘરેટિયા ગામે આ યુનિટી માર્ચ પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
જાહેર સભા અને મહાનુભાવોની ઉપસ્થિતિ
પદયાત્રાના સમાપન બાદ ઘાઘરેટિયા ગામે એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય એકતાના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં નાયબ કલેક્ટર કુલદીપ દેસાઈ, જિલ્લા પંચાયત ચેરમેન જશુભા સોલંકી, લાલજીભાઈ કમેઝળિયા, રમેશભાઈ સોયા, તાલુકા વિકાસ અધિકારી એ. જે. સોલંકી, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા, પૂર્વ ચેરમેન ભગીરથસિંહ રાણા, પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, માર્કેટયાર્ડ ચેરમેન અજિતસિંહ ટાંક, તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા, ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા, ડેલીગેટ ખેંગારસિંહ બોરાણા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ બોરાણા, સંજયભાઈ અમદાવાદીયા, સંજયભાઈ જાદવ સહિતના અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર નિર્માણના વિઝનને વધુ મજબૂત કરવા અને જનતામાં 'એક ભારત - આત્મનિર્ભર ભારત'નો સંદેશ ફેલાવવામાં સફળ રહ્યું હતું.


0 Comments