સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં પાણીની લાઈનમાં સતત ભંગાણ, નાગરિકો ત્રાહિમામ પોકાર્યા

 

સુરેન્દ્રનગર Surendranagar  : શહેરના ૮૦ ફૂટ રોડ અને નવા ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં પાણીની લાઈનમાં વારંવાર થતા ભંગાણને કારણે સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં મહાનગરપાલિકાનું નિર્માણ થયા બાદ સુવિધાઓમાં સુધારો થવો જોઈએ તેમ છતાં પાણીના વેડફાટ અને લાઈન તૂટવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

સ્થાનિક અગ્રણી અમૃતભાઈ મકવાણાએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, દરરોજ પાણી વિતરણ દરમિયાન લાઈનો તૂટી જાય છે, જેના કારણે લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ જાય છે. રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ સમસ્યાને રીપેર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા વારંવાર ખાડા ખોદવામાં આવે છે અને રીપેરીંગના કામો માટે લાખો રૂપિયાનું ખર્ચ થાય છે. નગરજનો આક્ષેપ કરી રહ્યા છે કે લાઈનો નાખતી વખતે નબળી ગુણવત્તાનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેના કારણે વારંવાર તૂટફૂટની ઘટનાઓ બની રહી છે.

રસ્તાઓ પર સતત પાણી ભરાતા અકસ્માતની શક્યતા વધી રહી છે અને વાહનચાલકો માટે આ માર્ગો જોખમભર્યા બની ગયા છે. નાગરિકોની માંગ છે કે તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને ગુણવત્તાયુક્ત બાંધકામ દ્વારા પાણીની લાઈનોને મજબૂત બનાવે.

Post a Comment

0 Comments