સંકલ્પ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓનું ખેલ મહાકુંભ ૨૦૨૫માં કરાટેમાં શાનદાર પ્રદર્શન

સુરેન્દ્રનગર: ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી કરાટે સ્પર્ધામાં સંકલ્પ વિદ્યાલયની અંડર-૧૪ કેટેગરીની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ શનિવારે સી.યુ. શાહ ઇંગ્લિશ સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સંકલ્પ વિદ્યાલયની બહેનોની ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અંડર-૧૪ કરાટે સ્પર્ધામાં સંકલ્પ વિદ્યાલયની ત્રણ વિદ્યાર્થીનીઓએ મેડલ જીત્યા હતા. જેમાં મારૂણિયા દિવ્યાએ ૩૦ થી ૩૪ કિલોગ્રામ વજન જૂથમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. કથીરિયા કન્વીએ ૩૪ થી ૩૮ કિલોગ્રામ વજન જૂથમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે પરમાર મહેકે ૨૪ થી ૨૬ કિલોગ્રામ વજન જૂથમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિથી શાળામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

વિશેષ વાત એ છે કે, પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ—મારૂણિયા દિવ્યા અને કથીરિયા કન્વી—હવે આગામી રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિથી શાળાના શિક્ષકો અને વાલીઓમાં ગૌરવની લાગણી જોવા મળી હતી.

વિદ્યાર્થીનીઓના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શાળાના સંચાલક શ્રી રાજુભાઈ અને વ્યાયામ શિક્ષક હરેશભાઈ રાતડીયાએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્યશ્રીએ પણ તમામ વિજેતા વિદ્યાર્થીનીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Post a Comment

0 Comments