સુરેન્દ્રનગર પોલીસની પ્રશંસનીય કામગીરી: 'નેત્રમ'ની મદદથી ₹૮૩,૦૦૦નો કીમતી સામાન મૂળ માલિકને પરત!

 સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર પોલીસે 'તેરા તુજકો અર્પણ અભિયાન' હેઠળ એક ઉમદા કામગીરી કરી છે, જેમાં ખોવાયેલો ₹૮૩,૦૦૦ની કિંમતનો કીમતી સામાન તેના મૂળ માલિકને પરત કરીને પોલીસ પ્રત્યેનો લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે.

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ ઝેઝરીયા, 'નેત્રમ' સુરેન્દ્રનગરની સૂચનાથી આ અભિયાન સક્રિય રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જાહેર જનતાની ખોવાયેલી કે ગુમ થયેલી કિંમતી વસ્તુઓ જેમ કે સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, પર્સ વગેરેને 'નેત્રમ' સીસીટીવીની મદદથી શોધીને તેના માલિકોને પરત કરવાનો છે.

કેવી રીતે થઈ ઘટના?

તાજેતરમાં, ખારવા ગામના રહેવાસી વિજયભાઈ સોમનાથભાઈ જોશીના પત્ની અરૂણાબેન ખરીદી કરીને જવાહર ચોકથી એસ.ટી. બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, તેઓ રીક્ષા નં-GJ-23-AV-0012 માં આશરે દોઢ તોલાની કી.રૂ. ૮૦ હજારની સોનાની બુટ્ટી અને રોકડ રૂ. ૩,૦૦૦ સહિત કુલ રૂ. ૮૩ હજારનો કીંમતી સામાન ભરેલો પર્સ ભૂલી ગયા હતા. ઘટનાની જાણ થતા જ અરજદારે પોલીસનો સંપર્ક કર્યો હતો.

'નેત્રમ' ટીમની ત્વરિત કાર્યવાહી

'નેત્રમ' સુરેન્દ્રનગરની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે સીસીટીવી કેમેરાની મદદથી અરજદાર જે વાહનમાં બેઠા હતા, તે રીક્ષાની ઓળખ કરી હતી. વાહન નંબરના આધારે ટીમે તાત્કાલિક રીક્ષા માલિકનો સંપર્ક કર્યો અને પર્સ વિશે પૂછપરછ કરી હતી.

પોલીસની આ સક્રિયતાના પરિણામે, ટૂંકા સમયમાં જ આખો પર્સ સહી-સલામત રીતે મળી આવ્યો હતો. પોલીસે ત્યારબાદ આ કીમતી સામાન મૂળ માલિક વિજયભાઈ સોમનાથભાઈ જોશીને પરત કર્યો હતો.

પોલીસની આ પ્રશંસનીય ફરજ નિષ્ઠા અને 'નેત્રમ' ટેકનોલોજીના સચોટ ઉપયોગથી નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના વધુ દ્રઢ થઈ છે. સુરેન્દ્રનગર પોલીસની આ કામગીરી અન્ય પોલીસ એકમો માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.

Post a Comment

0 Comments