ખમીસણા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ.૫૫ લાખના ખર્ચે રોડનું કામ શરૂ

સુરેન્દ્રનગર : શહેરના શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને નાગરિકોને આધુનિક તથા મજબૂત અવસરો ઉપલબ્ધ કરાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં ખમીસણા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત નવા પીસીસી રોડના નિર્માણની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.

આ યોજના હેઠળ ખમીસણા ગામમાં અંદાજે રૂ. ૫૫ લાખના ખર્ચે કુલ ૧,૫૦૦ મીટર લંબાઈનો પીસીસી (પ્લેઈન સિમેન્ટ કંક્રીટ) રોડ બનાવવામાં આવશે. આ નવી સડકના નિર્માણથી ખમીસણા ગામ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સુરેન્દ્રનગર શહેર સાથે વધુ સારી અને સરળ કનેક્ટિવિટી મળશે. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન રસ્તાઓમાં થતી મુશ્કેલીઓથી રાહત મળશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.

મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. પીસીસી રોડના નિર્માણથી માત્ર વાહન વ્યવહાર જ નહીં, પરંતુ વિસ્તારના વિકાસને પણ નવો વેગ મળશે. સ્થાનિક નાગરિકોએ પણ આ કામગીરીનું હર્ષપૂર્વક સ્વાગત કર્યું છે અને મહાનગરપાલિકાના પ્રયાસોની પ્રશંસા કરી છે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ ખમીસણા વિસ્તારના નાગરિકોને વધુ સારી જીવનશૈલી અને સુવિધાઓનો લાભ મળશે, જે સમગ્ર શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Post a Comment

0 Comments