સુરેન્દ્રનગર Surendranagar : સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગર-વઢવાણ જોડિયા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા હવે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. દિન-પ્રતિદિન વાહનોની સંખ્યામાં થઈ રહેલા બેફામ વધારા અને તેની સામે પાર્કિંગ તેમજ રોડ-રસ્તાની પૂરતી સુવિધાના અભાવે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ સમસ્યા વધુ વિકટ બને તેવી ભીતિ સેવાઈ રહી છે.
શહેરની જનસંખ્યામાં જે ઝડપે વધારો થઈ રહ્યો છે, લગભગ તે જ ગતિએ વાહનોની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળ્યો છે. નગરપાલિકા માંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ શહેરના વિકાસની ગતિ ઝડપી બની છે, પરંતુ આડેધડ બાંધકામો અને વાહનોના પાર્કિંગ માટે કોઈ નક્કર આયોજનના અભાવે ટ્રાફિકની ગૂંચ વધુ ઘેરી બની છે.
શહેરના મુખ્ય માર્ગો જેવા કે ટાવર ચોક, સી.જે. હોસ્પિટલ રોડ, પતરાવાળી ચોક, જવાહર ચોક અને બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારોમાં તો દિવસના મોટા ભાગના સમયમાં વાહનોની લાંબી કતારો લાગી હોય તેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે. આ વિસ્તારોમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થિત સુવિધા ન હોવાથી લોકો પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરે છે, જેને કારણે વાહનોની અવરજવર માટે ઉપલબ્ધ જગ્યા સંકોચાઈ જાય છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને પીક અવર્સમાં સવાર અને સાંજના સમયે આ સમસ્યાને કારણે નોકરી-ધંધા પર જતા લોકો અને વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી.
શહેરની ટ્રાફિકની આ ગંભીર સમસ્યાને હળવી કરવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સમક્ષ અનેક પડકારો છે. જેમકે રસ્તા પહોળા કરવા, રોડ પરના દબાણો દૂર કરવા અને જરૂરી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવી, નવા પાર્કિંગ ઝોન બનાવવા, મહાનગરપાલિકાએ શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં મલ્ટી-લેવલ પાર્કિંગ કે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા માટે તાત્કાલિક આયોજન કરવું જોઈએ. જ્યાં સુધી કાયમી વ્યવસ્થા ન થાય, ત્યાં સુધી વૈકલ્પિક પાર્કિંગ ઝોન જાહેર કરવા અનિવાર્ય બની ગયા છે.
આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કડકાઈથી કરાવવું જરૂરી બન્યું છે. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક થતા વાહનો સામે આકરા દંડની કાર્યવાહી કરવાથી રોડ પરના ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા હળવી થઈ શકે છે.
સુરેન્દ્રનગરના નાગરિકોની માગ છે કે મહાનગરપાલિકા આ સમસ્યાને ગંભીરતાથી લે અને માત્ર કાગળ પર નહીં, પણ જમીની સ્તરે ઉકેલ લાવે, જેથી લોકોને રોજેરોજની ટ્રાફિકની હાલાકીમાંથી મુક્તિ મળી શકે.


0 Comments