સુરેન્દ્રનગર : જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અને ગુજરાતમાં વધતા ડ્રગ્સ તથા દારૂના દુષણ સામે કડક પગલાં લેવા માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં રાજ્યમાં ખુલ્લેઆમ ચાલતા નશાના વેપાર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
આ રજૂઆતનું મુખ્ય કારણ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે થયેલી શાબ્દિક ટકરાવ છે. મેવાણીએ રાજ્યમાં નશાની પ્રવૃત્તિઓ અંગે સરકારની નિષ્ફળતાને લઈને સવાલ ઉઠાવ્યા હતા, જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ આપેલા નિવેદન સામે પણ આવેદનપત્રમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, “ગાંધીજીના ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ડ્રગ્સ અને દારૂનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો છે, જે નવી પેઢીને બરબાદી તરફ દોરી રહ્યો છે.” આવેદનપત્રમાં રાજ્ય સરકારને આ બાબતે ગંભીરતા દાખવીને તાત્કાલિક પગલાં લેવા અને નશાના વેપાર પર અંકુશ લાવવા માટે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં ખાસ કરીને ગૃહમંત્રીએ આપેલા નિવેદન પર પણ વિરોધ નોંધાવાયો છે. રજૂઆતકર્તાઓએ સ્પષ્ટ કર્યું છે કે “પટ્ટા ઉતારવાની” વાત નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ માટે નહીં પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ માટે હોવી જોઈએ. તેમણે રાજ્યના મંત્રીઓ અને પદાધિકારીઓને “રાજકીય રોટલા શેકવાને બદલે” નશાની સમસ્યાને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. આવેદનપત્રમાં ચેતવણીરૂપે જણાવાયું છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ગુજરાત પણ પંજાબ જેવી સ્થિતિ તરફ આગળ વધી શકે છે, જેને લોકભાષામાં ‘ઉડતું પંજાબ’ તરીકે ઓળખવામાં આવે છે.
આ ઉપરાંત, રજૂઆતકર્તાઓએ ભૂતકાળમાં થયેલા લઠ્ઠાકાંડનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આવા દુર્ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે અને તેમના પરિવારોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. તેથી, આવેદનપત્રમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ઉદ્દેશીને રાજ્યના તમામ જિલ્લાઓમાં હેલ્પલાઈન જાહેર કરવાની અને નશાના વેપાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ સમગ્ર રજૂઆતથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્તરે નાગરિકો અને રાજકીય પક્ષો રાજ્યમાં નશાની સમસ્યા અંગે ગંભીર ચિંતિત છે અને તેઓ સરકાર પાસેથી તાત્કાલિક અને અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.


0 Comments