સુરેન્દ્રનગર : મૂળીના લીમલી ગામની સરકારી ગૌચર જમીનમાં ગેરકાયદેસર માટી રેતીનું ખનન ઝડપાયું, ૨ જેસીબી અને ૬ ડમ્પર સહિત કુલ ૮ વાહનો સાથે ૩.૨૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. મુળી તાલુકાના છેવાડાના ગામ લીમલીની સરકારી ગૌચર જમીન, સર્વે નંબરવાળી જગ્યાએ, બે અલગ-અલગ સ્થળોએથી માટી/રેતીનું મોટા પાયે ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવતા ટીમે દરોડો પાડ્યો હતો.
આ ઓપરેશન દરમિયાન ખનન માટે વપરાતા કુલ ૮ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં ૨ જેસીબી અને ૬ ડમ્પરોનો સમાવેશ થાય છે. આમ કુલ કિંમત રૂપિયા ૩ કરોડ ૨૦ લાખનો મુદ્દામાલ ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલ મુદ્દામાલને નિયમોનુસાર મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે.
જ્યારે ગેરકાયદેસર ખનન બાબતે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યું કે, આ ઈસમો દ્વારા છેવાડાનું ગામ હોવાથી અને અધિકારીઓની અવરજવર ઓછી રહેતી હોવાનું માની, કોઈપણ ડર વગર ધોળા દિવસે મોટા પ્રમાણમાં ખનન કરી રહ્યા હતા. વાહન ચાલકોના નિવેદનોના આધારે, વાહન માલિકો સામે પણ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ,સરકારી ગૌચર જમીનમાં થયેલા ગેરકાયદેસર ખોદકામની માત્રા નક્કી કરવા માટે માપણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ગંભીર બેદરકારી બદલ લીમલી ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની આ કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

0 Comments