સુરેન્દ્રનગર : જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અંકુશમાં લેવા અને અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ તંત્ર સતત સક્રિય છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને LCB પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડી ₹૬૭,૦૦૦ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ PSI એન.એ. રાયમાની માર્ગદર્શન હેઠળ પો. હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા અને પો. કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકીયાની ટીમે સંયુક્ત બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. રતનપરના અવધેશ્વર ટાઉનશીપ રોડ પર શક્તિ ડેરી પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસે બે શખ્સોની ઓળખ કરી હતી.
પોલીસે સુરેન્દ્રનગરના મફતીયાપરા વિસ્તારમાં રહેતા રવિભાઈ હકાભાઈ પાટડીયા અને મેહુલભાઈ દીલિપભાઈ કોડીયાને ઝડપી લીધા છે. બંને શખ્સોની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા ₹૧૭,૦૦૦ અને એક કાળા રંગની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (કિંમત અંદાજે ₹૫૦,૦૦૦) મળી કુલ ₹૬૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ પકડાયેલા આરોપીઓ અને કબજામાં લેવાયેલ મુદ્દામાલને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. LCBની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીથી શહેરમાં ભયમુક્ત વાતાવરણ સર્જાયું છે અને પોલીસ તંત્રની કામગીરી પ્રત્યે નાગરિકોમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે.


0 Comments