સુરેન્દ્રનગર : લખતર-વિરમગામ હાઈવે પર આવેલ સહયોગ વિધાલયના પ્રાંગણમાં બત્રીસી ઘાંચીવોરા જમાત બત્રીસ ગામ સુન્ની ખેડૂવોરા પંચ દ્વારા એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ હાજીઓ અને હાજીયાણીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નિવૃત નાયબ નિયામક, સમાજ કલ્યાણ વિભાગના એન.સી. શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ શુભ પ્રસંગે કુરાન શરીફની તીલાવત, મહેમાનોનો પરિચય, અને તેમનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કુલ ૬૮ જેટલાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વધુમાં, હિજરી સન ૧૪૪૬ના વર્ષ દરમ્યાન હજયાત્રાની પવિત્ર સફર કરીને પરત ફરેલા તમામ હાજીઓ તથા હાજીયાણીઓનું પણ ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જનાબ ઈશાર્દભાઈ હબીબુરહેમાન વહોરા, મુખ્ય મહેમાન જનાબ જાવેદ મહંમદ.યુ. વહોરા, અને લખતરના વડીલ અબ્દુલભાઈ કચોટ સહિત બત્રીસી ઘાંચીવોરા જમાત બત્રીસ ગામ સુન્ની ખેડૂવોરા પંચ તથા આદર્શ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. લખતર સમસ્ત બત્રીસી વોરા જમાઅત દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.



0 Comments