સુરેન્દ્રનગર Surendranagar : જિલ્લાના જોરાવરનગર ગામના યુવાન અને પ્રતિભાશાળી વોલીબોલ ખેલાડી રુદ્રસિંહ જયદિપસિંહ રાણાએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. SGFI (School Games Federation of India) દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતની અંડર-૧૯ ટીમમાં તેમની પસંદગી થઈ છે. હાલ તેઓ મધ્યપ્રદેશ ખાતે યોજાતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
મૂળ વણા ગામના અને હાલ જોરાવરનગરમાં નિવાસી રુદ્રસિંહ રાણા હાલમાં નડિયાદ વોલીબોલ એકેડમીમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમણે માત્ર ૮ વર્ષની નાની ઉંમરે સુરેન્દ્રનગરની સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબમાં યશપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વોલીબોલની તાલીમ શરૂ કરી હતી. તેમની રમતગમતની પ્રગતિ અને પ્રતિભા એ સમયથી જ સ્પષ્ટ થવા લાગી હતી.
અગાઉ પણ રુદ્રસિંહે રાજ્ય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેમણે ખેલમહાકુંભની અંડર-૧૪ સ્ટેટ ચેમ્પિયનશિપમાં સુરેન્દ્રનગર જિલ્લાને બ્રોન્ઝ મેડલ અપાવ્યું હતું. તેમની આ સિદ્ધિએ તેમને વધુ ઊંચા મંચ સુધી પહોંચાડવા માટે માર્ગ મોકળો કર્યો છે.
SGFI સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં તેમની પસંદગી થવા બદલ સેવન સ્ટાર ક્લબના સભ્યો, સ્થાનિક ખેલાડીઓ અને રમતગમત પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રુદ્રસિંહ રાણાની આ સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

0 Comments