ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલના બીજા દિવસે 32,000થી વધુ મુલાકાતીઓએ માણ્યો ઝાલાવાડનો સ્વાદ અને સંસ્કૃતિ

 સુરેન્દ્રનગર : વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે ચાલી રહેલા ત્રિદિવસીય 'ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ'નો બીજો દિવસ પણ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ વિશિષ્ટ ફૂડ ફેસ્ટિવલમાં આજે 32,000થી વધુ લોકોએ હાજરી આપી હતી અને ઝાલાવાડની લોકપ્રિય વાનગીઓ સાથે ભાતીગળ સંસ્કૃતિનો અનોખો અનુભવ કર્યો.

આ ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા તથા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી દરરોજ સાંજે ૪:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી ખુલ્લો રહેશે.

હવા મહેલના આંગણે યોજાતા આ ફૂડ ફેસ્ટિવલમાં ઝાલાવાડની પરંપરાગત અને લોકપ્રિય વાનગીઓના વિવિધ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે. અહીં મુલાકાતીઓએ ખમણ, હાંડવો, લિલવા કચોરી, દાલ-ઢોકળી, ભાખરી-શાક જેવી વાનગીઓનો સ્વાદ માણ્યો. સાથે સાથે લોકસંગીતના કાર્યક્રમો અને સાંસ્કૃતિક રજૂઆતો પણ આકર્ષણનું કેન્દ્ર રહી.

આજના દિવસે ફૂડ ફેસ્ટિવલમાં 22 થી વધુ સ્ટોલ ધારકોએ અંદાજિત રૂ. 5,00,000થી વધુનો વેપાર કર્યો હતો. આ સફળતાને લઈને મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે અને નાયબ મ્યુનિસિપલ કમિશનર કલ્પેશ ચૌહાણે સ્ટોલ ધારકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “શહેરીજનોના ઉત્સાહપૂર્ણ સહભાગથી હવા મહેલને હેરિટેજ પેલેસ તરીકે વિકસાવવાની પહેલને નવી દિશા મળી છે.

ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ માત્ર ખાદ્યપદાર્થોની પ્રદર્શનશાળા નથી, પરંતુ તે ઝાલાવાડની સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનને ઉજાગર કરતી એક અનોખી ઉજવણી બની રહી છે. આવનારા દિવસોમાં પણ વધુ લોકોની હાજરીની અપેક્ષા સાથે આ ફેસ્ટિવલ શહેરના સાંસ્કૃતિક જીવનમાં નવી ઊર્જા ભરી રહ્યો છે.

Post a Comment

0 Comments