સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલત સફળઃ 9557 કેસોનો નિકાલ, રૂ. 22 કરોડથી વધુનું સેટલમેન્ટ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવાર, તા. 13-12-2025ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં કુલ 9768 કેસો હાથ પર લેવામાં આવ્યા હતા, જેમાંથી વિક્રમી 9557 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ નિકાલ દ્વારા પક્ષકારો વચ્ચે કુલ રૂ. 22,62,89,039 (બાવીસ કરોડ, બાસઠ લાખ, ઓગણએંસી હજાર, ઓગણત્રીસ) રકમનું સમાધાન (સેટલમેન્ટ) કરવામાં આવ્યું હતું, જે જિલ્લા માટે એક મોટી સિદ્ધિ ગણી શકાય.

આ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન મુખ્ય ન્યાયાધીશ કે.આર. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલટાઇમ સેક્રેટરી આર.જી. મન્સુરી અને તેમની ટીમે આ લોકઅદાલતને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા.

લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક દાવાઓ, મજૂર કાયદા સંબંધિત કેસો, જમીન સંપાદનના કેસો, ઇલેક્ટ્રિસિટી અને પાણીના બિલો સંબંધિત તકરારો, રેવન્યુ કેસો અને દીવાની પ્રકારના સમાધાન લાયક કેસો સહિત અનેક પ્રકારના કેસો હાથ પર લેવાયા હતા.

👉 કેસ અને સેટલમેન્ટની વિગતો:

આ લોક અદાલતમાં કેસોને વિવિધ કેટેગરીમાં વહેંચીને ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો.

 * પ્રથમ તબક્કો (લોક અદાલતના કેસ): આ તબક્કામાં કુલ 5681 કેસ હાથ પર લેવાયા હતા, જેમાંથી 5676 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં પક્ષકારો વચ્ચે રૂ. 3,47,10,946 (ત્રણ કરોડ, સુડતાળીસ લાખ, દસ હજાર, નવસો છેતાલીસ) રકમનું સેટલમેન્ટ થયું હતું.

 * સ્પેશિયલ સિટીંગ: સ્પેશિયલ સિટીંગ દ્વારા 2829 કેસ હાથ ધરાતા 2724 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયો હતો.

 * પેન્ડિંગ કેસો: લાંબા સમયથી પડતર (પેન્ડિંગ) રહેલા 1098 કેસો હાથ પર લેવાયા હતા, જેમાંથી 1048 કેસોનો નિકાલ થયો હતો. આ કેસોમાં રૂ. 19,15,78,093 (ઓગણીસ કરોડ, પંદર લાખ, અઠ્યોતેર હજાર, તોવુંણું) રકમનું જંગી સેટલમેન્ટ થયું હતું.

 * ફેમિલી કોર્ટ: ફેમિલી કોર્ટના 160 કેસ હાથ પર લેવામાં આવ્યા હતા અને તેમાંથી 109 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આર.જી. મન્સુરીએ જણાવ્યું હતું કે લોક અદાલતમાં કેસ મૂકવાથી બન્ને પક્ષની જીત થાય છે અને કોઇ એક પક્ષને હાર કે જીત થતી નથી, પરિણામે પક્ષકારો વચ્ચે રાગદ્વેશની ભાવના ઉત્પન્ન થતી નથી અને શાંતિપૂર્ણ સમાધાન થાય છે.

આ ભગીરથ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લાના વકીલો, કોર્ટ સ્ટાફ, પોલીસ સ્ટાફ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્યોએ સરાહનીય પ્રયાસો કર્યા હતા. આ સફળ આયોજનને કારણે જિલ્લાની કોર્ટોમાં કેસોનો ભારણ ઘટશે અને લોકોને ઝડપી ન્યાય મળશે.


0 Comments