સુરેન્દ્રનગર : જોરાવરનગરની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ‘જ્ઞાન સાથે ગમ્મત’ શીર્ષક હેઠળ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ જગાવવાનો અને અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાનો હતો.
આ પ્રસંગે ઝાલાવાડના જાણીતા જાદુગર ડોલર ચુડાસમાએ પોતાની અદ્ભુત જાદુઈ કરતબો દ્વારા વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે માત્ર મનોરંજન પૂરતું જ નહીં, પરંતુ દરેક જાદુઈ કળાના પાછળ છુપાયેલા વિજ્ઞાનના સિદ્ધાંતોની સરળ ભાષામાં સમજ આપી. આ રીતે વિદ્યાર્થીઓને વિજ્ઞાનને રસપ્રદ રીતે શીખવાની તક મળી. સાથે જ તેમણે અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ સામે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપ્યો, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો.
કાર્યક્રમ દરમિયાન શાળાના સંચાલક ચેતનભાઈ ત્રિવેદી અને આચાર્ય જાગૃતિબેન ત્રિવેદી સહિત સમગ્ર શાળા પરિવારે જાણીતા સાહિત્યકાર મનોજભાઈ પંડ્યાનું વિશેષ સન્માન કર્યું હતું. તાજેતરમાં જ તેમને મળેલી ‘ઓનરરી ડોક્ટરેટ’ પદવી બદલ શાળાએ તેમને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે શાળામાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો.વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આમંત્રિત મહેમાનો માટે આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો.

0 Comments