સુરેન્દ્રનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ની બસમાં ફરજ બજાવતા ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજના એક મહિલા કંડક્ટરે ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કંડક્ટર તૃપ્તિબેન ભાર્ગવકુમાર દવે, જેઓ માંડવી-અમદાવાદ રૂટની બસમાં ફરજ પર હતા, તેમણે મુસાફરનો ભૂલાઈ ગયેલો કિંમતી સામાન પરત કરીને પ્રશંસા મેળવી છે.
બનાવની વિગતો મુજબ, બસમાં મુસાફરી કરી રહેલા અંજારના રહેવાસી રિદ્ધિબા અનિરુદ્ધસિંહ ઝાલાનો કિંમતી સામાન બસમાં જ રહી ગયો હતો. આ સામાનમાં આશરે ₹35,000ની કિંમતનો મોબાઈલ ફોન અને કવરમાં ₹1,500 રોકડા રૂપિયા હતા.
બસમાંથી ઉતરી ગયા બાદ રિદ્ધિબાને તેમનો કિંમતી સામાન બસમાં ભૂલાઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતું. બીજી તરફ, ફરજ નિષ્ઠ કંડક્ટર તૃપ્તિબેન દવેએ બસની તપાસ કરતા આ મુદ્દામાલ મળી આવ્યો હતો. તૃપ્તિબેને કોઈપણ લોભ વિના તુરંત જ ઈમાનદારી દાખવી હતી.
તેમણે માનવતા મહેકાવતા, આ કિંમતી સામાનને સાણંદ ડેપો ખાતે રિદ્ધિબાના મામા નરેન્દ્રસિંહને સુપરત કર્યો હતો. કંડક્ટર તૃપ્તિબેન ભાર્ગવકુમાર દવેએ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને ઉમદા માનવતાનું કાર્ય કરીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે. તેમના આ કાર્ય બદલ મુસાફર અને તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજ અને ડેપો દ્વાર તેમના આ કાર્યને બિરદાવવામાં આવ્યું છે.

0 Comments