સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય પરિવહન સુવિધાઓના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ પગલાંરૂપે ભલગામડા ગામે નવનિર્મિત એસટી પીકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય કિરિટસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી આ પીકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સગવડભર્યા અને સુવિધાસભર પરિવહનના માધ્યમો ઉપલબ્ધ કરાવવાનો છે.
લોકાર્પણ સમારોહમાં ધારાસભ્ય કિરિટસિંહ રાણાએ સ્ટેન્ડનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ સુખદેવસિંહ રાણા, નિરૂભા, ભગિરથસિંહ, ડેલીગેટ લખધીરસિંહ રાણા સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે, “ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધાઓના અભાવે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પીકઅપ સ્ટેન્ડથી લોકોના દૈનિક પ્રવાસ વધુ સરળ બનશે.”
લીંબડી વિધાનસભા ક્ષેત્રમાં પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ તાલુકાઓમાં પીકઅપ સ્ટેન્ડના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. લીંબડી શહેરમાં બે પીકઅપ સ્ટેન્ડ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ પીકઅપ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ઉપરાંત, સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ પીકઅપ સ્ટેન્ડ અને ચુડા શહેર તથા ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક-એક પીકઅપ સ્ટેન્ડના નિર્માણની કામગીરી પણ પૂર્ણતાની નજીક છે. આ તમામ સ્ટેન્ડનું લોકાર્પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.
આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે એસટી સેવા વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે અને તેઓને રોજિંદા જીવનમાં વધુ સુવિધા મળશે. આ પ્રકારની વિકાસાત્મક પ્રવૃત્તિઓથી ગ્રામ્ય વિસ્તારોમાં જીવનમાનદંડમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર : અશ્વિનસિંહ રાણા - લીંબડી

0 Comments