સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર અને દુધરેજને જોડતો નર્મદા કેનાલ પરનો મુખ્ય પુલ છેલ્લા પાંચ મહિનાથી બંધ હાલતમાં હોવાથી હજારો વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલના રિપેરિંગ કાર્યને કારણે વાહનવ્યવહાર માટે આપવામાં આવેલ ડાયવર્ઝનના કારણે લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે, જેને પગલે સ્થાનિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પુલનું રિપેરિંગ કામ માત્ર ત્રણ મહિનામાં પૂર્ણ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, નિર્ધારિત સમય કરતાં વધુ સમય વીતી જવા છતાં પુલ શરૂ ન થતાં "તારીખ પે તારીખ"ની નીતિ સામે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. પુલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા પુલ ખુલ્લો ન મુકાતા આ સમસ્યાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે.
કોંગ્રેસ દ્વારા સ્થળની મુલાકાત અને અલ્ટીમેટમ
આ ગંભીર સમસ્યાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ આજે દુધરેજ પુલની સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થાનિક પ્રજાજનોની સમસ્યાઓ સાંભળી હતી. કોંગ્રેસે તંત્રની આ નિષ્ફળતાને "પ્રજાની પરીક્ષા નહીં, તંત્રની નિષ્ફળતા" ગણાવી હતી.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર, પુલનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. પરિણામે સામાન્ય નાગરિકોને રોજબરોજ લાંબો ફેરો ફરવા માટે ડબલ ખર્ચ કરવો પડે છે. આ ડાયવર્ઝનના કારણે વાહનોને નુકસાન થવું અને અકસ્માતનો ભય સતત માથે મંડરાતો રહે છે.
આ મુલાકાતમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝરણાબેન જાની, શહેર કોંગ્રેસ મહામંત્રી વિશ્વાસભાઈ, યુથ કોંગ્રેસ અગ્રણી મહાવીરસિંહ પરમાર, વઢવાણ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ઝાલા, જિલ્લા કોંગ્રેસ સોશિયલ ડિપાર્ટમેન્ટના પ્રમુખ શિશુપાલસિંહ રાણા સહિતના અગ્રણી કાર્યકર્તાઓ જોડાયા હતા.
કોંગ્રેસ પક્ષે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, "પ્રજાની સહનશીલતાને કમજોરી ન સમજશો. જો તાત્કાલિક પુલનું ઓપનિંગ નહીં થાય, તો કોંગ્રેસ પક્ષ જનહિતમાં પુલનું ઉદ્ઘાટન કરવા મજબૂર થશે."
સ્થાનિક લોકો અને કોંગ્રેસ પક્ષની એક જ માંગ છે કે દુધરેજ પુલને તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે અને પ્રજાને આ હાલાકીમાંથી રાહત આપવામાં આવે.


0 Comments