સુરેન્દ્રનગર : વઢવાણ શહેરમાં માગશર વદ તેરસ, બુધવાર ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ શ્રી અન્નપૂર્ણા માતાજીનો ૨૮મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. શ્રી વઢવાણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અન્નક્ષેત્ર ટ્રસ્ટના આયોજન હેઠળ આ ધાર્મિક મહોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહભેર સંપન્ન થયો.
પાટોત્સવ નિમિત્તે આયોજિત વિશેષ યજ્ઞમાં આચાર્ય આશિષભાઈ મહેતાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ વિધિઓ કરાવ્યા હતા. યજ્ઞમાં જ્ઞાતિના ૭ દંપતીઓએ યજમાન પદે બેસી આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. યજ્ઞ સાથે સાથે મંદિરમાં નૂતન ધ્વજારોહણ, ષોડશોપચાર પૂજન અને ભવ્ય આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. માતાજીને વિશેષ શણગારથી શોભિત કરવામાં આવી હતી, જેને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
સાંજના સમયે યજ્ઞની પૂર્ણાહુતિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને ભાવિકોએ ભાગ લીધો અને પ્રસાદનો લાભ લીધો.
આ પાવન પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પદાધિકારીઓ સંજયભાઈ ભટ્ટ, જયંતભાઈ વ્યાસ, જુગલકિશોરભાઈ વ્યાસ, જયેશભાઈ શુક્લ અને પ્રકાશભાઈ ભટ્ટે વિશેષ મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે ટ્રસ્ટ દ્વારા દાતાઓ અને સેવા આપનાર તમામ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
માતાજીના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને જ્ઞાતિમાં એકતાનું સુંદર પ્રતિક જોવા મળ્યું.




0 Comments